આજે વિશ્વ પર્યટન દિન
117 ધાર્મિક સ્થળો, 21 બીચ, 7 બર્ડ વોચીંગ સાઈટ, 49 ઈકો ટુરિઝમ સાઈટ, પાંચ ગાંધી સર્કિટ, 58 હેરીટેઝ સાઈટ, 52 મ્યુઝિયમ અને 19 વિકેન્ડ ગેટવેઝ ગુજરાતની વધારે છે શાન
સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 27 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ પર્યટન દિનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ-2021ની વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનું આ વર્ષનું સૂત્ર છે ‘સમાવેશક વિકાસ અર્થે પર્યટન’યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવતી આ ઉજવણી અન્વયે દુનિયાના કોઇ પણ એક દેશને યજમાન બનાવી આ દેશમાં 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિનની ઉજવણીને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે પ્રવાસનને લગતા પરિસંવાદો, ચર્ચાઓ, કાર્યશાળાઓ, નિબંધ-વક્તૃત્વ-ચિત્ર સ્પર્ધાઓ, રેલીઓ, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મેડિકલ ટુરિઝમ, ઇન્ડસ્ટ્રીયલ ટુરિઝમ, વગેરે પ્રવાસ કરવાથી મનુષ્યની સાહસવૃત્તિ વિકસે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય શાંતિ, સદભાવ અને ભાઇચારામાં વધારો થાય છે. દુનિયાના લોકોનો પરસ્પરનો સંપર્ક વધે છે. જેને લીધે આંતર સાસ્કૃતિક સંબંધો અને પારસ્પરિક સમજણ અંગેની નવી દિશા દ્રષ્ટિમાન થાય છે. દર વર્ષે 10 કરોડથી વધુ લોકો પોતાના દેશની સરહદો ઓળંગી અન્ય દેશોમાં વિહાર કરે છે. જેના થકી ઔદ્યોગિક વિકાસ દર પણ નવા સીમાચિહ્નો સર કરી રહયા છે. વિશ્વ પર્યટન દિનની ઉજવણીનું આ પણ એક જમા પાસું છે.
ગુજરાત ટુરિઝમ વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં એવરેજ 50 લાખ જેટલા પ્રવાસીઓ પ્રતિ માસ ગુજરાતની મુલાકાત લીધી હતી. વર્ષ 2018-19 માં 575.91 લાખ એટલે કે પ્રતિ માસ 47.99 લાખ, વર્ષ 2019-20 માં 609.29 લાખ એટલે કે પ્રતિ માસ 50.47 લાખ પ્રવાસી તેમજ હાલના વર્ષમાં કોરોના મહામારી વચ્ચે પણ અત્યાર સુધીમાં 118.02 લાખ (1 કરોડ થી વધુ) એટલે કે પ્રતિ માસ 9.84 લાખ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણી પ્રવાસન ઉદ્યોગને વેગ આપ્યો છે.
ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી સહીત 117 જેટલા સ્થળો પર યાત્રાધામ વિકસિત છે. ગુજરાતના વિશાળ દરિયા કિનારાને લઈને અનેક બીચ પર લોકો સમુદ્રની લહેરનો આનંદ લઈ શકે છે. શિવરાજપુર, માંડવી સહીત 21 જેટલા સમુદ્રી કિનારે બીચ પ્રખ્યાત છે. પક્ષીવિદ, પ્રેમીઓ માટે નારાયણ સરોવર, ખીજડીયા સહીત 7 જેટલા પોઈન્ટ પર વિશ્વના અનેક પક્ષીઓ નિહાળી શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે વોટરફોલ, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, તળાવ, વન જેવા 49 જેટલા ઈકો ટુરિઝમ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે. તો અડી કડી વાવ, બૌદ્ધ ગુફાઓ, રાજ પેલેસ, અડાલજ વાવ સહીત 58 જેટલા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે.
રાજ્યભરમાં 52 જેટલા નાના મોટા મ્યુઝિયમ કે જેમાં અનેક ઐતિહાસિક વસ્તુઓ, કળાકારીગીરીનો સંગ્રહ થયેલો છે. ગાંધી પ્રેમીઓ માટે ગાંધી સર્કિટમાં 5 જેટલા સ્થળો રાજકોટ, પોરબંદર, કોચરબ સહીત ગુજરાતમાં આવેલા છે. ગીર નેશનલ પાર્ક, મેરિન નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક સહીત 19 જેટલા સ્થળો વિકેન્ડ સાઈટ તરીકે પ્રવાસીઓ વિઝીટ કરી શકે છે.
ગુજરાતમાં પર્યટનને ઉદ્યોગ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એક માત્ર સિંહ અભ્યારણ્ય એવું ગીર અભ્યાસરણ્ય અને પીરોટન ખાતે આવેલ મરીન નેશનલ પાર્ક ગુજરાતના પર્યટનની શાન છે. સાપુતારા જેવા ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ રહયા છે.
કેવડિયા ખાતે વિશ્વનું સૌથી ઉંચુ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિશ્વના પ્રવાસીઓમાં આક્રષણનું કેન્દ્ર બન્યું છે. ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાથી અહીં પણ ઇતિહાસરસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે. પર્યટનના ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ રણોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેને દેશ-વિદેશના પર્યટકો ઉત્સાહપૂર્વક માણે છે.