કંપની એકટ હેઠળ નોંધાયેલી કંપનીઓએ બે વર્ષમાં કોઈપણ જાતનું ટર્નઓવર નહીં કર્યુ હોય તો ફર્જી ગણી પગલા લેવાશે
કંપનીઓને ૩૦ દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારાયા બાદ તુરંત તવાઇ
સરકાર શેલ કંપનીઓ સામે કડક પગલા ભરવાના મુડમાં છે. જેના અનુસંધાને છેલ્લા બે વર્ષમાં ઝીરો ટર્નઓવર ધરાવતી ૨૫ થી ૩૦ ટકા કંપનીઓના રજિસ્ટ્રેશન રદ્દ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી કંપનીઓને શેલ કંપની તરીકે ગણવામાં આવશે અને પગલા લેવાશે.
કંપની એકટની કલમ ૨૪૮ હેઠળ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આવી નિષ્ક્રીય કંપનીઓ સામે પગલા લેશે. જો કંપનીએ છેલ્લા બે વર્ષમાં કોઈપણ જાતનો બિઝનેશ નહીં કર્યો હોય તો સરકાર તેના રજિસ્ટ્રેશન રદ્દ કરશે. સરકાર ૩૦ દિવસ પહેલા આવી કંપનીઓને નોટિસ ફટકારશે. ત્યારબાદ જો જવાબ નહીં આપી શકે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે.
કંપની એકટના નિયમ મુજબ જો કોઈ કંપની એક વર્ષમાં વ્યાપારના ધારાધોરણમાં ખરી નથી ઉતરતી તો તેનું નામ રજિસ્ટરમાંથી રદ્દ કરવામાં આવશે. અહીં તો ૩૦ ટકા એવી કંપનીઓ છે જે બે-બે વર્ષ સુધી ટર્નઓવર કર્યું નથી. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કંપની એકટ હેઠળ જરૂરી રિટર્ન ફાઈલ ન કરનાર ૨.૨૫ લાખ કંપનીઓ ઉપર તવાઈ ઉતારી હતી અને રજિસ્ટ્રેશન રદ્દ કર્યા હતા. ચાલુ વર્ષે પણ ફરીથી આટલી સંખ્યામાં કંપનીઓ સામે પગલા લેવામાં આવશે તેવું જાણવા મળે છે.
સૂત્રોએ જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષમાં કોઈપણ જાતનું ટર્નઓવર ન કરનાર કંપનીઓની સંખ્યા ૩ થી ૪ લાખ જેટલી હોઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર માસ સુધીમાં દેશમાં ૧૭ લાખ કંપનીઓ નોંધાયેલી હતી. જેમાંથી ૧૧.૪ લાખ કંપનીઓ એક્ટિવ હતી. જો કે, આ સમયમાં એક્ટિવ કેટેગરીમાં એવી કંપનીઓને પણ મુકવામાં આવી હતી. જેણે છેલ્લા ૨ વર્ષમાં કોઈપણ જાતનું ટર્નઓવર કર્યું નહોતું. હવે આ કંપનીઓ ઉપર તવાઈ ઉતરશે.
થોડા સમય પહેલા મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ થતા રેવન્યુ સેક્રેટરીની ટાસ્કફોર્સે અનેક શેલ કંપનીઓને નિશાન બનાવી હતી. નોટબંધી બાદ આવી શેલ કંપનીઓની સંખ્યામાં તોતીંગ વધારો નોંધાયો છે. ટાસ્કફોર્સ એવી કંપનીઓને શોધે છે જેને કાળા નાણા સગેવગે કરવામાં અહમ ભૂમિકા ભજવી હોય. ટાસ્કફોર્સે ૧૬૦૦૦ કંપનીઓને ઓળખી કાઢી છે. જયારે અન્ય ૮૦,૦૦૦ કંપનીઓને શંકાસ્પદ કંપનીની યાદીમાં મુકી છે. ૧૭૦૦૦ એવી કંપનીઓ છે કે, જેના ડાયરેકટર કોમન હોય આવી કંપનીઓને શેલ કંપની તરીકે ગણાવી દેવામાં આવી છે અને બાજ નજર રાખવામાં આવી રહી છે. બેનામી સંપતિ તેમજ કાળુ નાણુ સગેવગે કરવાના આશયી દેશમાં લાખોની સંખ્યામાં શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. જેના ઉપર સરકાર કડક પગલા લઈ રહી છે.