ગુજરાતમાં અધધધ 11.26 લાખ એમએસએમઇ ઉદ્યોગો હાલ કાર્યરત છે. જે દેશના કુલ 1.48 કરોડ એમએસએમઇ ઉદ્યોગના 7.5 ટકા છે. આ ઉદ્યોગો જ ગુજરાતના અર્થતંત્રને વેગ આપવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.
સરકાર છેલ્લા ઘણા વર્ષોથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કમર કસી રહી છે. કારણકે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આ ઉદ્યોગોને આગળ ધપાવવા ખૂબ જરૂરી બને છે. આ ઉદ્યોગો ન માત્ર અર્થતંત્રને બળ આપે છે પણ રોજગાર સહિતના ક્ષેત્રોમાં પણ સુધારાઓ લાવે છે.
દેશના કુલ 1.48 કરોડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાંથી 7.5 ટકા એકલા ગુજરાતમાં
સંસદના ચાલુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાત દેશમાં ચોથા નંબરે સૌથી વધુ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ધરાવે છે. ગુજરાતમાં 11.26 લાખ એમએસએમઇ નોંધાયેલા છે, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ 1.48 કરોડ એમએસએમઇ 7.5% હિસ્સો ધરાવે છે.
એમએસએમઇ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અંગેના પ્રશ્નના જવાબમાં, કેન્દ્ર સરકારે કહ્યું કે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 16 સામાન્ય સુવિધા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે અને બે પૂર્ણ થઈ ગયા છે જ્યારે બે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે.
ગુજરાતના ગત વર્ષના જીએસડીપીમાં 19.6 ટકાની ધરખમ વૃદ્ધિ
ગુજરાત રાજ્યના 2021-22ના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીએસડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.6%ની સ્વસ્થ વૃદ્ધિ નોંધાવી છે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચાલુ સત્રમાં આપવામાં આવેલા આંકડાઓ જણાવે છે.
ગુજરાતે 2020-21 માટે જીએસડીપીમાં માત્ર 1.2% વૃદ્ધિ નોંધાવી હોવા છતાં 2021-22 માટે જીએસડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ, ગુજરાત પણ 2020-21 માં કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉન અને અન્ય પ્રતિબંધોની અસર હેઠળ ફરી વળ્યું હતું.
માત્ર બે રાજ્યો – ઓડિશા અને કર્ણાટક – 2021-22 માટે તેમના જીએસડીપીમાં ગુજરાત કરતાં ઊંચો વિકાસ દર નોંધાવે છે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલા આંકડાઓ જણાવે છે. ઓડિશાએ જીએસડીપીમાં 23.5% નો વધારો નોંધાવ્યો હતો જ્યારે કર્ણાટકના જીએસડીપીમાં 20.8% નો વધારો થયો હતો.
જીએસડીપી અથવા રાજ્યની આવક એ રાજ્યની આર્થિક વૃદ્ધિને માપવા માટે એક મહત્વપૂર્ણ સૂચક છે. તે નાણાકીય દ્રષ્ટિએ એક માપ છે, રાજ્યની ભૌગોલિક સીમાઓની અંદર આપેલ સમયગાળા દરમિયાન, સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન ઉત્પાદિત તમામ તૈયાર માલ અને સેવાઓનો સરવાળો જીએસડીપી સૂચિત કરે છે.
એમએસએમઇ ક્ષેત્રે મહિલાઓની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો
એમએસએમઇ ક્ષેત્રે મહિલાઓની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડાઓ અનુસાર દેશમાં વર્ષ 2020-2021 દરમિયાન મહિલા સંચાલિત ઉદ્યોગો રૂ. 749 કરોડના હતા. જ્યારે વર્ષ 2021-22માં તેની રકમ વધીને 1660 કરોડ થઈ છે. જ્યારે ચાલુ વર્ષે આ રકમ રૂ. 1616 કરોડ જેટલી થઇ છે.
દેશમાં કોરોનાના કારણે 12922 ઉદ્યોગો બંધ થઈ ગયા
ભારતમાં કોરોનાના કારણે અનેક ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને પણ મોટો ફટકો પડયો છે. 1 જુલાઈ 2020થી 31 ઓક્ટોબર 2022 દરમિયાન કોરોનાથી દેશમાં 12922 એમએસએમઇ બંધ થઈ ગયા છે. જો કે બીજી તરફ અત્યાર સુધીમાં 1.49 કરોડ એમએસએમઈનું રજીસ્ટ્રેશન થયું છે.
રાજ્યમાં સૌથી વધુ 10.71 લાખ જેટલા સૂક્ષ્મ ઉદ્યોગ
ગુજરાત રાજ્યમાં કુલ 11.26 લાખ એમએસએમઇ ઉદ્યોગો છે. જેમાંથી સૌથી વધુ તો 10.71 લાખ ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો છે. જેમાં મોટાભાગના ગૃહ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર છે.
નિકાસમાં એમએસએમઈનો હિસ્સો 45 ટકા
દેશની નિકાસમાં એમએસએમઇ સેક્ટરનો હિસ્સો નોંધપાત્ર છે. દેશમાં કાર્યરત 1.49 કરોડ જેટલા આ ઉદ્યોગો દેશની કુલ નિકાસમાં 45.03 ટકાની હિસ્સેદારી ધરાવે છે. આમ સરકાર નિકાસ વધારવા માટે વધુમાં વધુ પ્રોત્સાહન એમએસએમઇને પુરી પાડી રહી છે.