ચીન, પાકિસ્તાન અને દેશના ગદ્ારોને મોદીનો પડકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે હવે ભારત બાહ્ય અને આંતરિક પડકારોને ભરી પીવા સક્ષમ છે.
તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલ હંમેશા આત્મનિર્ભર અને વિકસીત ભારતનું સ્વપ્નું જોતા હતા. તેમણે રાષ્ટ્ર પ્રથમનો વિચાર આપ્યો હતો. તેમની પ્રેરણાથી જ ભારત અત્યારે આંતરિક અને બાહ્ય પડકારોને પહોંચી વળવા છેલ્લા સાત વર્ષમાં વધુ સક્ષમ બન્યું છે. કાયદાનું અનુશાસન અને વિકાસના નવા શિખરો સર કરવામાં ભારતની એકતા સફળ બની છે. રવિવારે વિડિયો કોન્ફરન્સથી વડાપ્રધાને સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મ જયંતિની ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ પર વ્યક્તવ્ય આપ્યું હતું.
આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરીને પ્રાદેશિક અને સાંસ્કૃતિક દૂરીઓ દૂર કરીને રાષ્ટ્રનિર્માણનું કામ હવે ગતિશીલ બન્યું છે. લોકો અગાઉ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સો વાર વિચારતાં હતાં. હવે દેશમાં એકતાનું સાતત્ય ઉભું થયું છે. ભારત અત્યારે જળ, ભૂમિ અને આકાશથી લઇ અવકાશ સુધી મોખરે રહ્યું છે. ભારતે આત્મનિર્ભરથી લઇ આત્મસુરક્ષાના ધ્યેયો પૂરા કર્યા છે.
વડાપ્રધાને ખેડૂતોને બિરદાવતાં જણાવ્યું હતું કે ખેતીમાં આત્મનિર્ભરતા માટે ખેડૂતો નવી ટેકનોલોજી, સુધારેલી જાતના બિયારણો અપનાવીને દેશમાં રાષ્ટ્રનિર્માણને વધુ સરળ બનાવી રહ્યાં છે. અનેક પડકારોને સમગ્ર દેશે એક સાથે ટક્કર લઇને મ્હાત કર્યા છે. સરદાર પટેલ હંમેશા ચાહતા હતા કે વિકસીત ભારત, સક્ષમ, સકારાત્મક, સંવેદન અને માનવતાના પરિબળોને સાથે લઇને ચાલે છે.
દેશ પ્રથમની વિભાવના સાથે ભારત અત્યારે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના પડકારો પહોંચી વળવા સક્ષમ છે. તેમણે પરોક્ષરીતે ચીન અને પાકિસ્તાન જેવા ભારતના હરીફ દેશો અને ગદ્ારોને પડકાર આપતાં જણાવ્યુું હતું કે ભારત અત્યારે બાહ્ય અને આંતરિક ભરી પીવા સક્ષમ છે.