નિફટીમાં પણ ૧૬૨ પોઈન્ટની નરમાશ: રૂપિયો ડોલર સામે ૬ પૈસા મજબુત: તમામ સેકટરલ ઈન્ડેક્ષ રેડ ઝોનમાં
ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા દિવસથી ચાલી આવતી મંદી યથાવત રહેવા પામી છે. સપ્તાહનાં અંતિમ દિવસે આજે શેરબજારમાં મંદીનું મહા મોજુ ફરી વળ્યું હતું. સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાયા હતા. તમામ સેકટરલ ઈન્ડેક્ષ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. એક જ દિવસમાં રોકાણકારોની અબજો રૂપિયાની સંપતિનું ધોવાણ થઈ ગયું છે. આજે રિલાયન્સનું પરિણામ જાહેર થવાનું છે છતાં શેરબજાર મંદીની ગર્તામાંથી બહાર નિકળી શકયું નથી.
ગઈકાલે શેરબજારમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે સપ્તાહનાં અંતિમ દિવસે પણ માર્કેટ કડાકા સાથે ખુલ્યું હતું. મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો આજે પણ રેડ ઝોનમાં ખુલ્યા હતા. ડોલર સામે રૂપિયામાં તેજી જોવા મળી હતી પરંતુ તે શેરબજારને મંદીમાંથી બહાર લાવી શકી ન હતી. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરીણામ જાહેર થવાનું છે પરંતુ આ પરીણામ અપેક્ષા મુજબ ન આવે તેવી શકયતા જણાતાં બજાર સતત મંદીમાં ગરકાવ થઈ રહ્યું છે. ગઈકાલે સેન્સેકસે ૩૯,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવ્યા બાદ આજે મંદીનું મોજુ યથાવત રહેવા પામ્યું હતું. રોકાણકારોમાં વિશ્ર્વાસનાં અભાવે મંદી વધુ વિકરાળ બની રહી છે. સેન્સેકસ અને નિફટી સાથે સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેકસમાં પણ કડાકાનો દોર ચાલુ છે. આજે મહામંદી વચ્ચે પણ એનટીપીએસ ઓલ ઈન્ડિયા, બીપીસીએલ અને ટાઈટન કંપનીનાં શેરોનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. રૂપિયો પણ અમેરિકી ડોલર સામે ૬ પૈસા જેવો મજબુત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૦ કલાકે સેન્સેકસ ૫૦૮ પોઈન્ટનાં કડાકા સાથે ૩૮,૩૮૮ અને નિફટી ૧૬૩ પોઈન્ટનાં કડાકા સાથે ૧૧,૪૩૩ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે ત્યારે ડોલર સામે રૂપિયો ૬ પૈસાની મજબુતાઈ સાથે ૬૮.૮૯ પર કામકાજ કરી રહ્યો છે.