અભિષેક જૈનની નવી વેબ-સિરીઝ ‘મિસિંગ’ ઓગષ્ટમાં આવશે
ગુજરાતના પોતાના પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ’ઓહો ગુજરાતી’ એ તાજેતરમાં જ ડિજિટલ ક્ષેત્રે તેનું એક વર્ષ પૂર્ણ કર્યું. ઓહો ગુજરાતીએ આખા વર્ષ દરમિયાન તમામ શૈલીઓ તથા વિષયો પર વિવિધ શો સાથે આપણને મનોરંજન પૂરું પાડ્યું છે જે વિવિધ વયના લોકો દ્વારા પસંદ કરાયું અને સ્વીકારવામાં પણ આવ્યું.
‘વિઠ્ઠલ તીડી’ ની રજૂઆતના એક વર્ષ પછી , દિગ્દર્શક તરીકે અભિષેક જૈન તેની આગામી મોટી વેબ સિરીઝ લઇને ટૂંક સમયમાં આવી રહ્યા છે. જેનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
યશ સોની અને દીક્ષા જોષી અભિનીત સિરીઝ ’મિસિંગ’ એક સસ્પેન્સ થ્રિલર છે જે સામાજિક મુદ્દાઓ અને અપહરણની ઘટનાઓની આસપાસની ઘટનાઓને સંબોધિત કરે છે. કલાકારોના અભિનય પણ અદભૂત છે જે સિરીઝના ટીઝર શકાય છે . તેઓ એવા પાત્રો નિભાવી રહ્યા છે જે અત્યાર સુધી તેઓએ કરેલી ફિલ્મોના પાત્રોથી તદન અલગ છે. આ સ્ટોરી જે મુદ્દાઓને સ્પર્શતી દેખાય છે તે મુદ્દાઓ પર ચર્ચા કરવી ખરેખર આવશ્યક છે , અને ખુશીની વાત એ છે કે આ પ્રકારના સાહસિક અને ગતિશીલ સિનેમેટિક કન્ટેન્ટ અને ઘટનાઓ આધારિત કોન્સેપ્ટ હવે ગુજરાતી સિનેમામાં બની રહ્યા છે. આ વેબ સિરીઝ ઓગસ્ટ 2022 માં રિલીઝ થવાની છે.
ઓહો ગુજરાતી વેબ-સિરીઝ ‘મિસિંગ’ ના ટીઝરની શરૂઆતમાં લાગે છે કે એક કપલ છે, યશ પૂછે છે કે “જો આપણે આ સંજોગોમાં મળ્યા ન હોત, તો શું થાત?” દિક્ષા જવાબ આપે છે કે “મને નથી ખબર પણ , અત્યારે હું તારા સાથે ખુશ છું. ત્યારબાદ જ એક અનેકસ્પેકટેડ વળાંક આવે છે, યુવતીને તેના અપહરણકર્તા દ્વારા છુપાવવામાં આવી રહી છે તેણીનું શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે તેવા સમાચારો આવી રહ્યા છે.
અભિષેક જૈનની સિરીઝ ’ મિસિંગ ’ વિશે તેમના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે આ એક એવી સ્ક્રિપ્ટ જેને મારી અંતરઆત્મા સાથે વાત કરી અને તેના વર્ણન દરમિયાન બધાને આશ્ચર્યચકિત કરી દીધા તો એ છે ’મિસિંગ’. મિસિંગ કોઈ વાસ્તવિક વાર્તા પર આધારિત નથી પરંતુ ઘણી વાસ્તવિક વાર્તાઓથી પ્રેરિત છે. અત્યાર સુધી અમે હૃદયસ્પર્શી અને મનોરંજક વાર્તાઓ બનાવી છે જેને લોકોએ સ્વીકાર્યું છે, પરંતુ હવે સમાજના એક ભાગ તરીકે આપણે આપણું પ્રતિબિંબ જોવાનો સમય આવી ગયો છે. મિસિંગ સમાજની અપ્રિય વાસ્તવિકતાને બતાવશે.