151 વાનગીઓના અન્નકુટની તમામ પ્રસાદીનું ગરીબોને વિતરણ
ભગવાન સ્વામિનરાયણની વાણી સ્વરુપ વચનામૃતની 202મી જયંતી પ્રસંગે, શાસ્રી માધવપ્રિયદાસજીસ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભક્તિપ્રકાશધાસજી સ્વામી ઉપસ્થિતિમાં મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં વચનામૃત જયંતી, શ્રી ઘનશ્યામ મહારાજનો 26મો પાટોત્સવ અને અન્નકૂટોત્સવનો ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારતભરની શ્રી કૃષ્ણ ભગવાનની પુષ્ટિમાર્ગીય હવેલીમાં ભગવાનની પ્રતિષ્ઠિત મૂર્તિને દર વરસે અભિષેક કરવામા આવે છે. ભાવિક ભકતો નજીકના પવિત્ર જળાશયમાંથી ખંભે કાવડ ધારણ કરીને બંન્ને છેડે જળ ભરેલા ઘડા ઉંચકીને મંદિરમાં લાવી તે જળથી ઠાકોરજીને અભિષેક કરવામાં આવે છે. આ સેવા બજાવનારને જળગરિયા કહેવામાં આવે છે
આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ જયારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે ઘણી વાર રસ્તામાં આવતી અડાલજ વાવમાં 500 પરમહંસો સાથે સ્નાન કરતા.
આ અડાલજ વાવ સંવત્ 1555 માં વાઘેલા વંશના વીરસિંહજીના પત્ની રુડાબાઇએ બંધાવેલ છે તેઓ પોતાના લેખમાં લખે છે કે કોઇ વટેમાર્ગુ સંત કે મહાપુરુષ આ વાવમાં પાણી પીશે કે નહાશે તેથી મારું કલ્યાણ થશે એ હેતુ માટે મેં આ વાવ બંધાવી છે. કોઇ લોકચાહનાકે લોક કીર્તિ માટે બંધાવેલ નથી.
વિખ્યાત અંગ્રેજ વિવેચક ફર્ગ્યુસને પોતાના સ્થાપત્ય ગ્રન્થમાં અડાલજ વાવ પર ફિદા થઇ જઇને ખૂબ જ મુક્ત કંઠે પ્રશંસા કરી છેઅને જણાવેલ છે કે, આ અડાલજ વાવના કલાકારોએ વાવના ગોખ, ઝરુખા, થાંભલા, કંદોરા તથા પાટડાના અનેક ભાગને કલાના ઉસ્તાદોએ શિલ્પોથી કંડારવામાં પોતાના પ્રાણ પાથર્યા છે.
મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજના 26 માં પાટોત્સવ પ્રસંગે અડાલજ વાવના પવિત્ર જળને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ અને સંતો કાવડ મારફતે લાવી,તે જળ સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ,પંચગવ્ય વગેરેથી માધવપ્રિયદાસજીસ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 151 વાનગીઓનો ઠાકોરજીને અન્નકૂટ ધરાવવમાં આવેલ. અન્નકૂટની તમામ પ્રસાદી ગરીબોને વહેચવામાં આવેલ. આ પ્રસંગે તમામ સંતો અને ભક્તોએ સમૂહમાં વચનામૃતનું પૂજન અને પાઠ કર્યો હતો.અંતમાં સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી વચનામૃતનો મહિમા સમજાવ્યો હતો.