જામનગરમાં યોજાયો અભૂતપૂર્વ હેલ્થ એન્ડ મિલેટ્સ એકસ્પો
આયુર્વેદ કોલેજ આયોજીત મેળામાં 70 હજારથી વધુ લોકોએ કરી મુલાકાત
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા કરાયું સુંદર આયોજન જામનગરમાં ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ઈંઝછઅ દ્વારા ચાર દિવસીય “હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો – 2023″નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 18 થી 21 માર્ચ દરમિયાન સવારે 10 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી દબદબાભેર યોજાયેલા આ એક્સ્પોમાં કુલ અંદાજિત 70 હજારથી વધુ લોકોએ મુલાકાત કરી હતી.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધને મિલેટ્સ-જાડા ધાન્ય માટે એક પ્રસ્તાવ કર્યો હતો જેના પ્રતિઘોષ સ્વરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યાર તરીકે ઉજવણી જાહેર કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વ હાલ જયારે આ ઉજવણીનો હિસ્સો બની રહ્યું છે ત્યારે જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ ઈંઝછઅ દ્વારા સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય(મિલેટ્સ)ને જોડી ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકો દ્વારા વિવિધ પ્રકારના મિલેટ્સનો ઉપયોગ પોતાના રોજિદા જીવનમાં કરે અને તેને સ્થાન આપે તે હેતુ જોડાયેલો હતો. આ એક્સ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજૂબત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો હતો.
અહીં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો- વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ધર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિસાકિય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું મરદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા હતા જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા વિનામૂલ્યે રહી હતી.
આબાલવૃધ્ધ સૌ કોઇ માટે કઈંને કંઇ ઉપયોગી માહિતી અને જાણકારી ચિત્રો, ચાર્ટ, ઓડિયો-વિડીયો પ્રસ્તુતિ વડે આપવામાં આવી હતી. આ મેળામાં મુલાકાતીઓએ 1લાખ 80હજારથી વધુ પેમ્પલેટ્સ મેળવી વિગતો પ્રાપ્ત કરી હતી. આ ચાર દિવસ ચાલેલા હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પોમાં કુલ 5814 દર્દીની (2893 પુરુષ 2921 સ્ત્રી) આરોગ્ય તાપસ કરવામાં આવી હતી, જયારે 2629 લોકોના બ્લડ સુગરની તાપસ કરવામાં આવી હતી. તમામ દરદીઓને વિનામૂલ્યે તમામ દવાઓ(ઔષધ) ઉપલબ્ધ કરવામાં આવી હતી.