જામકંડોરણાથી અમદાવાદ જતી વેળાએ રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ દરમિયાન ભારદ્વાજ પરિવારને મળતા પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે જામકંડોરણા ખાતે જંગી જાહેર સભા સંબોઘ્યા બાદ રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કર્યુ હતું. એરપોર્ટની વી.આઇ.પી. લોન્જમાં પી.એમ. રાજકોટના ભારદ્વાજ, શુકલ અને મણીયાર પરિવારના સભ્યોને મળ્યા હતા. ચિમનભાઇ શુકલ અને અભયભાઇ ભારદ્વાજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.
રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજ્યસભાના સાંસદ સ્વ.અભયભાઇ ભારદ્વાજના પરિવારના સભ્યો અંશ ભારદ્વાજ, અલ્કાબેન અભયભાઇ ભારદ્વાજ, નીતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, મનન ભારદ્વાજ, નિયતી ભારદ્વાજ,અમૃતા અભયભાઇ ભારદ્વાજ, ધારીણી દિપકભાઇ મહેતા, કાર્તીકેય મહેતા, ચિંતનભાઇ કામદાર, આશ્કા કામદાર, વેદાર્થ કામદાર અને નિશીથા શાહને મળ્યા હતા. તેઓએ સ્વ.અભયભાઇ ભારદ્વાજને પોતાના લડવૈયા ગણાવ્યા હતા.
સાથો સાથ એક પરિવારના મોભી તરીકે અભયભાઇને કોરોના મહામારીમાં બચાવી ન શકયા હોવા સબળ વસવસો પણ વ્યકત કર્યો હતો. પરિવારના દરેક સભ્યો સાથે વાતચીત કરી ખબર અંતર પૂછયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એકપણવાર ભારદ્વાજ પરિવારને મળ્યાં ન હતા દરમિયાન ગઇકાલે તેઓએ રાજકોટની ટ્રાન્ઝીસ્ટ વિઝિટ દરમિયાન એરપોર્ટ પર નિતિનભાઇ ભારદ્વાજ અને દિવંગત અભયભાઇ ભારદ્વાજ પરિવારના સભ્યોને મળ્યા હતા અને અભયભાઇના અકાળે અવસાન બદલ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. સાથોસાથ પોતે પોતાના લડવૈયા કાર્યકરને બચાવી શક્યા ન હોવાનો પણ વસવસો વ્યક્ત કર્યો હતો. તમામ જૂના કાર્યકરો કે જેઓ ભાજપના પાયાના પથ્થર ગણાય છે તેઓને નરેન્દ્રભાઇ રૂબરૂ મળે છે. રાજકોટની મુલાકાત દરમિયાન તેઓએ આ સિલસિલો જાળવી રાખ્યો હતો. ભારદ્વાજ પરિવારના તમામ સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.