સ્થાનિક નેતાઓ રાજકારણ ખતમ કરવા સક્રિય બન્યા હોય અમૂક લોકોના ત્રાસથી રાજીનામું આપી દીધાની ચર્ચા
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.9ના ભાજપના સિનિયર કોર્પોરેટર એભાભાઇ કટારાએ આજે બપોરે અચાનક કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેતા જૂનાગઢના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તેઓ છેલ્લી ત્રણ ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાતા હતા અને હાલ યાત્રાળુ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા.
આજે તેઓએ જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને મળી એભાભાઇ કટારાએ કોર્પોરેટર અને સમિતિ ચેરમેન પદેથી રાજીનામું આપતો પત્ર અર્પણ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપના એક ટોચના નેતાઓ સાથેના ઝઘડાના કારણે ચર્ચામાં હતા.
આજે રાજીનામું આપ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો તેઓનું રાજકારણ ખતમ કરવા માટે સક્રિય બન્યા છે.
રાજકીય કારર્કિદીને દાગ લગાડવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. અમૂક લોકોના ત્રાસથી કંટાળીને તેઓએ કોર્પોરેટર પદેથી રાજીનામું ધરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ ભાજપમાં દરેક જિલ્લા-મહાનગરોમાં રિતસર વિવાદે માથું ઉંચક્યું હોય એવું લાગી રહ્યું છે.