અબડાસા: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારી તથા સાધારણ સભા યોજાઈ હતી જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતમાં થયેલ સદસ્યતા અભિયાનનું વૃત્ત નિવેદન તથા સંગઠનાત્મક ગતિવિધિઓ, રચનાત્મક કાર્યક્રમો, મારી શાળા મારું તીર્થ, પ્રાચાર્ય સંવાદ જેવા આગામી સમયના કાર્યક્રમ સહિત સંગઠન દ્વારા વર્ષભરના થયેલ અનેક કાર્યક્રમોની માહિતી સહિતની અન્ય બાબતો અંગે જાણકારી આપવામાં આવેલ હતી. તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે દરેક જીલ્લામાંથી દરેક સંવર્ગોના પદાધિકારીઓ રાજ્ય કારોબારી સમક્ષ રજુઆત કરી હતી.
જેમાં ખાસ કરીને સરકારી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના બદલી કેમ્પ યોજવા, બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા, વાહન ભથ્થું આપવા, NPS વાળા કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ, 2005 પહેલાંના શિક્ષકોને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના અમલમાં લાવવા માટેનો ઠરાવ ઝડપથી બહાર પાડવા, 2005 પછી નોકરી લાગ્યા છે એ તમામ કર્મચારીઓ માટે આગામી સમયમાં ઓલ્ડ પેન્શન યોજના માટેની રણનીતિ, ફિક્સ પગાર સમયની પાંચ વર્ષની નોકરીનો ગાળો નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટી માટે ગણવો, 25 લાખનો કેશલેસ મેડીક્લેમ, કોન્ટ્રાક્ટ તથા ફિક્સ પગારની યોજના બંધ કરવી, NPS વાળા કર્મચારીઓના ઝડપથી ખાતા ખોલવા, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને RTI ના નિયમો લાગુ કરવા ફાજલનું કાયમી રક્ષણ આપવું તથા 4200 ગ્રેડ પે આપવો, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી નું અતિશય ભારણ તથા આચાર્ય સંવર્ગને પડતી મુશ્કેલીઓ, દરેક શાળાઓમાં મહેકમ અનુસાર સો ટકા કાયમી ભરતી, 50% મોંઘવારી થઈ ગઈ હોવાથી પગારમાં મર્જ કરવા તને અનુરૂપ ઘરભાડું આપવા તથા કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે એ મુજબ ૩% મોંઘવારી ભથ્થાને દીવાળી પહેલા જાહેર કરવા, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકની ભરતીમાં બહાર પાડેલ નવા નિયમોની સમીક્ષા, ક્લાર્ક તથા પટાવાળાની ભરતી સહિતની અન્ય અઢળક બાબતો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ પ્રાથમિક શાળાઓમાં કામ કરતા અને લાયકાત ધરાવતા શિક્ષકોને પણ અન્ય પરિક્ષાઓમાં બેસવા માટે છૂટ આપવા જેવી અનેક બાબતો અંગે કારોબારી બેઠકમાં રજુ થયેલ બાબતો અંગે ઠરાવ કરી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવશે તેવી ચર્ચા પણ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠન દ્વારા થયેલા અનેક પ્રયત્નોથી ઉકેલવામાં આવેલા પ્રશ્નોના કારણે ગુજરાતમાં સંગઠનને મળેલા પ્રતિસાદના કારણે આ વર્ષે સંગઠનમાં સદસ્યતાનો મોટો વધારો થયેલ છે.
આ સાથે ગુજરાત પ્રાંત કારોબારીની આ બેઠકમાં અખિલ ભારતીય તેમજ પ્રાંતના પદાધિકારીઓ મહેન્દ્ર કપૂર (અ.ભા સંગઠન મંત્રી), મોહન પુરોહિત (અતિ. મંત્રી, અ.ભા), પ્રાંત અધ્યક્ષ ભીખા પટેલ, મહામંત્રી મિતેશ ભટ્ટ તેમજ સંગઠન મંત્રી સરદારસિંહ મછારે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતુ. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છના પદાધિકારીઓમાં પ્રાંત મંત્રી મુરજી ગઢવી, કચ્છ માધ્યમિક સરકારી અધ્યક્ષ નયન વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ રૂપેશ સોલંકી, પ્રાથમિક સરકારી કાર્યકારી અધ્યક્ષ ભરત ધરજીયા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશ ગાગલ, સરકારી માધ્યમિક રાજ્ય પ્રતિનિધિ પુનશી ગઢવીએ ઉપસ્થિત રહી કચ્છના શિક્ષણ જગતના તેમજ શિક્ષકોના પ્રશ્નોને વાચા આપેલ હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
રમેશ ભાનુશાલી