એબીપી અસ્મિતા દ્વારા ગરબાના બેસ્ટ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા માટે જ્યારે સંદેશ ન્યુઝ દ્વારા રાજકોટના ટોપ-૫ બેસ્ટ ગરબા આયોજનનો એવોર્ડ ‘અબતક’ સુરભી રાસોત્સવને અપાયો: ખેલૈયાઓએ હોંશભેર એવોર્ડને વધાવ્યા
કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીના સુમધુર કંઠે ખેલૈયાઓ નવેય દિવસ મનમૂકીને ગરબે ઝુમ્યા
પ્રિન્સ, પ્રિન્સેસને સેલ્યુટો બાઈક અને ફસીનો સ્કુટરનું લાખેણુ ઈનામ અપાયું
ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવ-૨૦૧૮ને બબ્બે એવોર્ડ મળ્યા છે. એબીપી અસ્મિતા દ્વારા ગરબાના બેસ્ટ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા માટે જયારે સંદેશ ન્યુઝ દ્વારા રાજકોટના ટોપ ફાઈવ બેસ્ટ ગરબા આયોજનનો એવોર્ડ ‘અબતક’ સુરભી રાસોત્સવને આપવામાં આવ્યો છે. ગઈકાલે આ એવોર્ડની જાહેરાત થતા જ ખેલૈયાઓએ તાળીઓના ગડગડાટ અને ચીચીયારોથી વાતાવરણ ગુંજાવીને એવોર્ડને વધાવ્યા હતા.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવ-૨૦૧૮નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવેય દિવસ ખેલૈયાઓને સુપ્રસિઘ્ધ કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજીએ ગરબા ગાઈને જુમાવ્યા હતા. નવલા નોરતાના નવેય દિવસ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની તેમજ દર્શકોની હકડેઠઠ મેદની જોવા મળી હતી. અનેરા ઉત્સાહ સાથે તમામ ખેલૈયાઓ નવેય દિવસ ગરબે રમ્યા હતા. નવ દિવસ દરમિયાન દરરોજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અતિથિ સ્વરૂપે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ‘અબતક’ સુરભી રાસોત્સવની સુરક્ષા વ્યવસ્થા તેમજ સમગ્ર આયોજનના ભરપેટ વખાણ પણ કર્યા હતા.
નવલા નોરતાના અંતિમ દિવસે ગઈકાલે મેગા ફાઈનલ યોજવામાં આવ્યો હતો જેમાં સિલેકટેડ ખેલૈયાઓએ બમણા ઉત્સાહ સાથે પોતાની ગરબા કલાના કામણ પાથર્યા હતા. આ તકે ‘અબતક’ સુરભી રાસોત્સવને બબ્બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ એવોર્ડ એબીપી અસ્મિતા દ્વારા ગરબાના બેસ્ટ આયોજન માટે એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એબીપી અસ્મિતાના રીપોર્ટર પરાક્રમસિંહ જાડેજાના હસ્તે ‘અબતક’ સુરભી રાસોત્સવના આયોજક તથા ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા તેમજ વિજયસિંહ વાળાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે સંદેશ દ્વારા પણ ‘અબતક’ સુરભી રાસોત્સવ-૨૦૧૮ને રાજકોટના ટોપ ફાઈવ બેસ્ટ ગરબા આયોજનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સંદેશના રીપોર્ટર કલ્પેશ ગોહેલના હસ્તે ‘અબતક’ સુરભી રાસોત્સવના આયોજક તથા ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા તેમજ વિજયસિંહ વાળાને અર્પણ કરવામાં આવ્યો હતો. બંને એવોર્ડની જાહેરાત તથા વેત જ ખેલૈયાઓએ તાળીઓના ગડગડાટ તેમજ ચીચીયારીઓથી વાતાવરણ ગુંજાવીને એવોર્ડને વધાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, સુરક્ષા અને સુવિધા માટે પ્રખ્યાત ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ તેમજ દર્શકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે પ્રકારે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેની સૌ કોઈએ સરાહના કરી હતી. આ પ્રકારના આયોજન બદલ ‘અબતક’ સુરભી રાસોત્સવ-૨૦૧૮ને બબ્બે એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.