હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિએ એવી ભયાવહ સ્થિતિ ઉભી કરી છે કે માનવ-માનવ એકબીજાથી અડકવાથી બચી રહ્યા છે. સંક્રમણના ડરે લોકો દૂર ભાગી રહ્યા છે પરંતુ આ વચ્ચે પણ ઘણા એવા સેવાભાવી લોકો છે જે દર્દીઓની વ્હારે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની મદદ કરવા “અબતક” પણ મેદાને ઉતર્યું છે. વાયરસની બીજી લહેર સામે જંગ જારી છે ત્યારે ગંભીર રીતે કોરોનાથી પીડિત રાજકોટના એક દર્દીની સહાયે “અબતક”ના વોરીર્યર્સે આવી તંત્ર સાથે સંકલન સાધી દર્દીને જીવતદાન આપ્યું હતું. બે દિવસથી વેન્ટિલેટર માટે આમતેમ ભટકી રહેલા શખ્સને વેન્ટિલેટર ન મળતા “અબતક”નો સંપર્ક કર્યો હતો. સહાય માંગી રહેલા દર્દીના અથાગ પ્રયત્ન છતાં ક્યાંય વેન્ટીલેટરનો મેડ ન પડતા “અબતક” જ હવે કંઈક કરી મદદ કરી શકશે તેમ જણાવી વેન્ટિલેટરની સુવિધા કરી આપવા અપીલ કરી હતી.
આ અજાણ્યા શખ્સની માંગને મહત્વ આપી તુરંત જ “અબતક”ની ટીમે સ્થાનિક હોસ્પિટલો અને ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો. ડો. ભરત ચાવડાએ સારો પ્રતિસાદ આપી દર્દીની મદદની અહમીયતા સમજી વેન્ટીલેટરની સુવિધા કરી આપી હતી. હાલ આ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલત પણ સ્થિર છે. આમ, જો આવા કપરાકાળમાં દરેક એકબીજાની મદદે આવી પ્રયાસો કરે તો જલ્દીથી આ મહામારી માંથી બેઠા થઈ જઈશું અને કોરોનાને ભગાડીશું.