અમેરિકા સહિત વિશ્ર્વભરના શેર બજારોમાં જોવા મળી રહેલી તેજી ભારતમાં કોરોના બાદ ફરી અર્થતંત્રની ગાડી પાટે ચડી જવા પામી છે. તમામ સાનુકુળતાઓની કારણે આજે ભારતીય શેર બજારમાં વણથંભી તેજી જારી રહેવા પામી છે. આજે સેન્સેકસે 55 હજાર પોઈન્ટની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. આગામી દિવાળી સુધીમાં સેન્સેકસ 60 હજારની સપાટી કુદાવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
કોરોનાબાદ દેશમાં જીએસટીનું રેકોર્ડ બ્રેક કલેકશન બાદ શેર બજારમાં નવેસરથી તેજીનો દોર શરૂ થયો હતો. જેને ધ્યાનમાં રાખી ‘અબતક’ દૈનિક દ્વારા એવો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. કે આગામી 15મી ઓગષ્ટ પહેલા સેન્સેકસ 55 હજારની સપાટી કુદાવશે જે સૌથી સચોટ સાબીત થયો છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસે 55 હજારની મનૌવૈજ્ઞાનિક સપાટી કુદાવી આજે 55124.74 નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો. જયારે નિફટીએ પણ આજે 16448.25ની સર્વોચ્ચ સપાટીહાંસલ કરી લીધી હતી.
જે રીતે શેર બજારે તેજીનો ટ્રેક પકડયો છે. તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છેકે સેન્સેકસ આગામી દિવાળી પહેલા જ 60 હજારની સપાટી ઓળંગી લેશે. આજે બુલીયન બજારમાં પણ તેજી જોવા મળી હતી સોના અને ચાંદીના ભાવો ઉંચકાયા હતા જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો થોડો નબળો પડયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 234 પોઈન્ટના ઉછાળા સાથે 55117 અને નિફટી 83 પોઈન્ટના ઉછાળા સાથે 16447 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.