ડીજે નાઈટ,બેન્ડ પર્ફોર્મન્સ,પોઈટરી,સ્ટોરી ટેલિંગ તથા સ્ટેન્ડઅપ જેવા વિવિધ કાર્યક્રમોની વણઝારથી યુવાધન મંત્રમુગ્ધ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટમાં ઝીરો ગ્રેવિટી ફેસ્ટિવલનું ગત તારીખ 17-18 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ ઇવેન્ટમાં આશરે 500 થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો તથા 25થી પણ વધારે અલગ-અલગ કલાકારોએ ભાગ લીધો હતો.આ ઇવેન્ટમાં ડીજે નાઈટ,બેન્ડ પર્ફોર્મન્સ,પોઈટરી,સ્ટોરી ટેલિંગ તથા સ્ટેન્ડઅપ જેવા અલગ-અલગ કાર્યક્રમોની વણજાર હતી.
બેન્ડ પર્ફોર્મન્સમાં અલગ અલગ બે ટીમ દ્વારા આશરે એક-એક કલાક લોકોને તેમના મનપસંદ ગીતો તેમજ હિન્દી લવ સોન્ગ પર ડોલાવ્યા હતા.
પોઈટરીમાં આશરે 20 થી પણ વધુ કવિતા રસિકોએ પોતાની રચના સંભળાવી હતી. સ્ટોરી ટેલિંગમાં કલાકારોએ પોતાની કહાની કહેવાની કળા થી એક પ્રકારે કહાનીઓમાં પ્રાણ પુરી દીધા હતા અને તે કહાનીઓ જીવંતમાં થઈ રહી હોય તેવો અનુભવ લાગી રહ્યો હતો. સ્ટેન્ડ અપ કોમેડી માં પોતાની કળાથી હાસ્યરસ પીરસી લોકોને પેટ પકડીને હસવા મજબૂર કર્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં ઝીરો ગ્રેવીટી ફેસ્ટિવલમાં ભાગ લીધેલ કલાકાર શવરિન જણાવે છે કે,હું સ્ટેન્ડ અપની ફિલ્ડમાં છેલ્લા બે થી ત્રણ વર્ષથી છું,કોરોના કાળ થી જ હું સ્ટેન્ડ અપની ફિલ્ડમાં છું. આજના ઇવેન્ટમાં ખૂબ આનંદ આવ્યો છે અને ઝીરો ગ્રેવિટી ની ટીમ તમામ આર્ટિસ્ટને ખૂબ જ સપોર્ટ કરે છે આગળ પણ મેં સ્ટેન્ડ અપ શો કરેલા છે પરંતુ આજનો જે અનુભવ હતો તે ખૂબ જ સરસ હતો.
અબતક સાથેના સંવાદમાં મીત ગણાત્રા જણાવે છે કે,કવિતા લખવી એ મારા વ્યવસાયથી સાવ અલગ છે,જે હું મારા શોખથી કરું છું.કોઈ ભાવ ઉતપન્ન થાય તેને હું જેટલું કુદરતી રહે તેટલું રાખવાનો પ્રયાસ કરૂ છું.મને કવિઓને વાંચવાનો પણ ખૂબ શોખ રહ્યો છે.પહેલા પણ મેં ઝીરો ગ્રેવીટી ખાતે પ્રદર્શન કરેલું છે આ મારું ત્રીજું પ્રદર્શન છે અને આ વખતનો અનુભવ ખૂબ સારો રહ્યો છે ઓડિયન્સ સારું હતું બધાનો સાથ સહકાર સારો મળ્યો છે.
રાજકોટની પ્રતિભાને એક સારૂ પ્લેટફોર્મ આપવાનો હેતુ: ખુશી ભુટાની
અબતક સાથેની વાતચીતમાં ઝીરો ગ્રેવીટીના ખુશી ભુટાની એ જણાવ્યું હતું કે,અમારો હેતુ એ છે કે અમે રાજકોટમાં એક સારું પ્લેટફોર્મ આપીએ છીએ,અમે કલાકારોને ફ્રી પ્લેટફોર્મ આપીએ છીએ અમે એના માટે કોઈ ફી ચાર્જ કરતા નથી.આ ઇવેન્ટમાં 25 થી પણ વધારે આર્ટિસ્ટ આવેલા છે બે દિવસનું ઇવેન્ટ છે જેમાં ડીજે નાઈટ,સ્ટોરી ટેલિંગ,સ્ટેન્ડ અપ વગેરે ઇવેન્ટ થવાની છે.અમારી ટીમમાં આશરે 13 મેમ્બર છે જે બધું સાંભળી રહ્યા છે.
શબ્દ એ મારો માત્ર વ્યવસાય નહીં પણ મારા માટેની જરૂરીયાત છે: સંજુ વાળા
અબતક સાથેની ખાસ વાતચીતમાં સંજુ વાળા જણાવે છે કે, ગુજરાતી કવિતા સાથે સંકળાયેલો હું માણસ છું,શબ્દ એ મારો માત્ર વ્યવસાય નહીં પણ મારા માટેની જરૂરીયાત છે.એ જરૂરીયાતના એક કારણવશ શબ્દ સાથે જોડાયેલો છું.આજે આ કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીઓ સાથે કવિતાની વાતો કરી,ગઝલની વાતો કરી,છંદની વાતો કરી અને વિદ્યાર્થીઓ ખૂબ રાજી થયા એનો મને પણ રાજીપો છે.મારી લગ્ન,અભ્યાસના કારણે મેં કવિતા સાથે નાતો બાંધ્યો અને છેલ્લા 40 વર્ષથી કવિતા લખું છું,એ નિમિત્તે મારા લગભગ છ-સાત કાવ્યસંગ્રહો છે,સાત-આઠ વિવેચન સંગ્રહો,સાત-આઠ પુસ્તકોના સંપાદન કરેલા છે જેમાં રમેશભાઈ ની કવિતા,શ્યામ સાધુ ની કવિતા, પાલનપુરી ની કવિતા છે.
અમે ઝીરો ગ્રેવિટી નામે એક આર્ટ ક્લબ 2018 થી ચલાવીએ છીએ: જયભાઈ
ઝીરો ગ્રેવીટીના મેમ્બર જયભાઈ જણાવે છે કે,અબતકનો ખૂબ ખૂબ આભાર માનું છું.અમે ઝીરો ગ્રેવિટી નામે એક આર્ટ ક્લબ 2018 થી ચલાવીએ છીએ આ એક બિન-લાભકારી સંસ્થા છે.અમે કવિતા લેખન,વાર્તાઓ કહેવાની જેમનામાં કળા છે,સ્ટેન્ડઅપ કોમેડી,સંગીત આ ચાર કલાઓના જેટલા સ્થાનિક કલાકારો હોય તેને માન આપવા અને બિરદાવા માટે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ.આજે પોઈટરી વર્કશોપમાં સંજુ વાળા આવેલા છે,તેમણે યુવા કલાકારોને શીખવ્યુ કે ગઝલ કઈ રીતે લખવી અને કઈ પ્રકારે માળખું હોય તેની બધી માહિતી આપેલી છે.
રાજકોટમાં આ પ્રકારના કાર્યક્રમો થાય છે જે ખૂબ જ સરાહનીય: કેયુરભાઈ
અબતક સાથેની વાતચીતમાં ઝીરો ગ્રેવીટીના મેમ્બર કેયુરભાઈ જણાવે છે કે,રાજકોટમાં આ પ્રકારના કાર્યક્રમો થાય છે જે ખૂબ જ સરાહનીય છે,જેમાં દરેક પ્રકારની કલાને બિરદાવવામાં આવે જે બહુ મોટી વાત કહેવાય. ઝીરો ગ્રેવીટી 2018 થી આ પ્રકારના કાર્યક્રમો કરતી આવે છે અને હવે ફેસ્ટિવલ લઈને આવે છે, તો હીરો ગ્રેવીટીને ખૂબ ખૂબ શુભકામનાઓ તથા અબતકનો પણ સાથ અને સહકાર બદલ ખુબ આભાર માનું છું.