રાજય સરકાર દ્વારા વિધિવત મંજુરી મળ્યા બાદ ડેમની ઉંચાઈ ઓનરેકર્ડ ૨૧.૮૦ ફુટથી વધી ૨૫.૧૦ ફુટે પહોંચી: સંગ્રહશકિતમાં પણ ૩૦૪ એમસીએફટીનો વધારો
ન્યુ રાજકોટની જળ સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા કરોડો ‚પિયાના ખર્ચે પોતાની માલિકીના એવા ડેમની હયાત ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવા છતાં રાજય સરકારના અલગ-અલગ વિભાગોમાંથી મંજુરી ન મળતા સિંચાઈ વિભાગના ચોપડે ન્યારી ડેમની ઉંચાઈમાં કોઈ પ્રકારનો વધારો દર્શાવવામાં આવતો ન હતો. આ અંગે પ્રજાના પ્રહરીસમા ‘અબતક’ દૈનિકે ખાસ અહેવાલ પ્રસિઘ્ધ કર્યાના ૪ દિવસમાં જ રાજય સરકારની મંજુરી મળતા સિંચાઈ વિભાગના ચોપડે ડેમની હયાત ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરી દેવામાં આવ્યો છે.રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ દ્વારા જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલી આવક દર્શાવતા પત્રકમાં ગઈકાલ સુધી ડેમની ઉંચાઈ ૨૧.૮૦ ફુટ અને સંગ્રહશકિત ૯૪૪ એમસીએફટી દર્શાવવામાં આવતી હતી દરમિયાન સરકારમાંથી મંજુરી મળતા આજે આવકના પત્રકમાં ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. ડેમની ઉંચાઈ ૨૫.૧૦ ફુટ દર્શાવવામાં આવી અને જળસંગ્રહશકિત ૧૨૪૮ એમસીએફટી દર્શાવાય છે. અત્યાર સુધી સિંચાઈના ચોપડે દરવાજા વિહોણા ન્યારી ડેમ પર ૩૦૨૦ રેડીયલના ૧૧ દરવાજા પણ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. ડેમની ઉંચાઈમાં પણ ૧ મીટરનો વધારો થતા જળસંગ્રહ શકિતમાં ૩૦૪ એમસીએફટીનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ન્યારી ડેમની ૨૫ ફુટ ભરવામાં આવશે કે સલામતીના ભાગ‚પે પ્રથમ વર્ષે જુની સપાટી મુજબ ૨૧.૮૦ ફુટ ભરાશે તે અંગે હજી સિંચાઈ વિભાગ અને મહાપાલિકા તંત્ર મીઠી મુંઝવણ અનુભવી રહ્યું છે.છેલ્લા ૭૦ વર્ષમાં રાજકોટમાં વરસાદનો રેકોર્ડ તુટયો છે. જુલાઈ માસમાં વિક્રમજનક વરસાદ પડતા ન્યારી ડેમની સપાટી ૧૯ ફુટે પહોંચતાની સાથે જ ડેમના ૧૧ દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના મહત્વકાંક્ષી પ્રોજેકટનું લોકાર્પણ કર્યાના ૨૮ દિવસ બાદ સિંચાઈના ચોપડે ન્યારી ડેમની ઉંચાઈમાં વધારો દર્શાવવામાં આવ્યો છે.