જય જય ગીરનારી….ના ગગનભેદીનાથ અને અડાબીડ વન વગડામાં ગીરનાર ફરતે 36 કિલોમીટરની પરિક્રમા યાત્રા સદીઓથી યોજાતી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે અજ્ઞાતવાસમાં પાંડવોએ પણ પરિક્રમા કરીને મોક્ષનો માર્ગ સરળ કર્યો હતો. આજે પણ પાંડવોના હાથે સ્થાપિત શિવલિંગો ગીરનારના જંગલોમાં મોજૂદ છે. ભવે ભવના ફેરામાંથી મુક્તિ જેટલા પૂણ્યનુ ભાથુ બંધાવતી પરિક્રમાને છેલ્લાં બે વર્ષથી પ્રતિબંધોનું ગ્રહણ લાગી ગયું છે. સતત બીજા વર્ષે ગીરનારની ફરતે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે પણ અસ્સલરૂપમાં નહીં યોજાય. પ્રતિકાત્મક પરિક્રમામાં બંને ડોઝ લીધેલા 400 લોકોને જ પ્રવેશ અપાશે. અને તેમાં પણ ખાસ સાધુ-સંતોનો સમાવેશ થશે.
14મીથી શરૂ થનારી ગરવા ગિરનારની પરિક્રમાને લઈને જિલ્લા કલેકટરની સતાવર
જાહેરાત : રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ પણ પરિક્રમામાં નહિ જોડાઈ શકે
‘અબતક’ દ્વારા ગત પખવાડીયે આ મુદે અહેવાળ પ્રકાશિત કરાયો હતો અને તંત્રને વર્ષો પુરાણી પરિક્રમાની પરંપરા જાળવી પરિક્રમામાં ભલે લોકોને ન આવવા દેવાય તો કઈ નહીં પણ સાધુ-સંતોને આવવા દેવા જોઇએ તેમ તંત્રને અપીલ કરાઈ હતી. આને અનુરૂપ જ હોય તેમ આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પુન: જાહેરનામું બહાર પાડીને નિર્દેશ અપાયો છે કે જૂનાગઢમાં લીલી પરિક્રમા સરકારની ગાઈડલાઈન મુજબ યોજાશે. 400 લોકોની મર્યાદામાં માત્ર સાધુ સંતો જ પરિક્રમામાં સામેલ થઈ શકશે. સામાન્ય નાગરિકોને પ્રવેશ નહીં મળે.
આ પણ વાંચો: પરિક્રમામાં લોકોને ન આવવા દો તો કહીં નહીં, સાધુ-સંતોને આવવા દેજો
નોંધનીય છે કે લીલી પરિક્રમાનું મહાત્મ્ય દાયકાઓ નહીં પરંતુ સદીઓ જૂનું છે. જ્યાં ચોસઠ જોગણી, નવનાથ અને અનેક દેવી-દેવતાઓના બેસણા છે તથા યોગી, જોગી, અને તપસ્વીઓની તપોભુમી છે, એવા ગરવા ગિરનારની લીલી પરિક્રમા પ્રતિવર્ષ કારતક સુદ અગીયારસથી લઈને કારતક સુદ પૂનમ સુધી યોજાય છે. લગભગ 10 એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ 36 કિમી લાંબી લીલી પરિક્રમામાં સ્વયંભુ રીતે જોડાતા હોય છે અને ગિરનાર ક્ષેત્રના ધાર્મિક સ્થાનો એ માથું ટેકવી, દર્શન કરી, વિવિધ મુકરર કરેલા સ્થળ ઉપર રાત્રી રોકાણ સાથે પ્રકૃતિના ખોળે આનંદ માણતા ભક્તિપૂર્વક ભવનું ભાથું બાંધી ધન્યતા અનુભવતા હોય છે.
પરિક્રમામાં માત્ર 400ને જ એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાતા ભાવિકોમાં કચવાટ
અગાઉ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે લીલી પરિક્રમા અંગે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી, અને આ બેઠકમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માત્ર 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી હતી અને જે લોકોને પ્રવેશ આપવામાં આવે તેમને કોરોનાના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પણ હાલ કલેકટરે સ્પષ્ટતા કરી છે કે 400 લોકોની મર્યાદામાં માત્ર સાધુ સંતો જ પરિક્રમામાં સામેલ થઈ શકશે. સામાન્ય નાગરિકોને પ્રવેશ નહીં મળે.