જય વિરાણી, કેશોદ:
વિકાસની મસમોટી વાતો વચ્ચે હજુ રાજયમાં ઘણા ખરા ગામડા કે પછાત વિસ્તારોમાં પાયાની સુવિધા પણ નથી. તંત્રની નબળી કામગીરીને કારણે લોકોએ હેરાન થવું પડે છે ત્યારે કેશોદમાં પણ કઈક આવી જ હાલત હતી. કેશોદના શરદચોક ખાતે લાંબા સમયથી હાઇ માસ્ટર ટાવરની એલઇડી લાઇટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની હતી. ટાવર લાઇટ બંધ રહેતાં અંધારપટ છવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પણ આ અંગે ‘અબતક’ દ્વારા અહેવાલ પ્રસારિત કરતાં આંખ આડા કાન કરી રહેલ તંત્ર સફાળું જાગ્યું હતું અને પાલીકાએ તાબડતોડ લાઇટ રીપેર કરી સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલી હતી.
મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થતાં પાલિકા કર્મીઓએ જાગૃત થઈ કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિકપણે લાઈટ રીપેર કરી પોલ પર લગાવી દેવામાં આવી હતી. જેને લઈ ચોક ફરી જળહળી ઉઠ્યેા હતો. પાલીકાની તાબડતોડ કામગીરીથી વેપારીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ લોક માંગને લઈ શહેરીજનોની વધુ એક સુવિધામાં વધારો થાય તેમજ માંગરોળ પર રાત્રી અવરજવર હોય ચોકમાં પુરતો પ્રકાશ મળી રહે તે માટે પાલીકાએ વધુ એક સેવા વધારવા હાઇ માસ્ટર ટાવર ઉભો કરી એલઇડી લાઇટ લગાવાય હતી. પરંતુ લાંબો સમય લાઇટ ટકી નહી.
કેશોદ: શરદચોક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પણ તેમ છ્તા અંધારપટ, લોકોમાં આક્રોશ
જે કારણોસર ચોકમાં અંધારપટ છવાતા ઘણા વેપારીઓએ પાલીકાને મૌખિક જાણ કરી પરંતુ લાઇટ રીપેર કરી ફરી ટાવર પર લગાવવામાં ન આવતાં વેપારીઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. આ અંગે ‘અબતક’ મીડિયાએ સમાચાર પ્રસિધ્ધ કરતાં પાલીકાએ ગણતરીના કલાકોમાં એલઈડી રીપેર કરી ફરી ટાવર પર લગાવી હતી. જેને લઈ વેપારીઓએ ખુશી વ્યકત કરી હતી.