શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વાગુદડ રોડ પર ન્યારી ડેમ નજીક કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વિશાળ ગાર્ડનમાં પ્રથમ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવનાર છે. આ પાર્ટી પ્લોટનું ભાડુ કે નિયમો નક્કી કર્યા વિના જ તેનું સંચાલન 10 વર્ષ માટે સોંપી દેવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે ‘અબતક’ દૈનિક દ્વારા એવી શંકા વ્યકત કરવામાં આવી હતી કે, પાર્ટી પ્લોટના નિયમો અને ભાડુ પણ હજુ નક્કી ર્ક્યું નથી અને નિયમો પણ બનાવવામાં આવ્યા નથી ત્યાં આ પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી એજન્સીને સોંપી દેવાની દરખાસ્ત ખરેખર શંકાસ્પદ છે.
ભાડું અને નિયમો નક્કી કરીને આવો: પાર્ટી પ્લોટની દરખાસ્ત ફગાવાઈ
દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પાર્ટી પ્લોટનું સંચાલન સોંપવાની દરખાસ્તમાં રિ-ટેન્ડરીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે ટેન્ડરમાં ભાડુ અને નિયમોનો ઉલ્લેખ કરવા પણ સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ન્યારી ડેમ સાઈટે વાગુદડ જવાના રસ્તે 50,000 ચો.મી.ના વિશાળ પ્લોટમાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અહીં ફૂડ કોટ અને મહાપાલિકાનો પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવા અને તેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. દસ વર્ષ માટે ફૂડકોટનું સંચાલન અને પાર્ટી પ્લોટનું સંચાલન રાખનાર સોમનાથ એન્ટરપ્રાઈઝ દ્વારા મહાપાલિકાને દસ વર્ષના રૂા.40 લાખ ચૂકવવા માટેની દરખાસ્ત રજૂ કરાઈ હતી.
કોર્પોરેશનના પ્રથમ પાર્ટી પ્લોટને પચાવી પાડવાનો એજન્સીનો ખેલ ઉંધો પાડતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ: રિ-ટેન્ડરીંગનો આદેશ
દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, પાર્ટી પ્લોટનું સંચાલન સોંપવામાં આવે તો હજુ વધુ રેવન્યુ જનરેટ થાય તેવી સંભાવના છે. સાથે સાથે અહીં હજુ ભાડુ કે નિયમો પણ નક્કી કરવામાં આવ્યા નથી. રિ-ટેન્ડરનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્ટી પ્લોટનો સમય અને ભાડુ નક્કી કરવા અને ભાડે રાખનાર માટે નિયમો બનાવવાનું ટેન્ડરમાં સમાવેશ કર્યા બાદ જ ટેન્ડર પ્રસિધ્ધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો ભાડુ કે નિયમો નક્કી કર્યા વિના પાર્ટી પ્લોટનું સંચાલન દસ વર્ષ માટે આપી દેવામાં આવેતો એજન્સી દ્વારા મન ફાવે તેવા ભાડા વસુલવામાં આવે તેવી પણ ભીતિ રહેલી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મહાપાલિકાના ભાજપના શાસકો શહેરીજનોને સસ્તા ભાડામાં શ્રેષ્ઠ પાર્ટી પ્લોટ આપવા ઈચ્છી રહ્યાં છે.
રાજકોટવાસીઓને સસ્તા ભાડામાં શ્રેષ્ઠ પાર્ટી પ્લોટ મળે તેવા પ્રયાસો: સ્ટે.ચેરમેનની ખાતરી
વાગુદળના રસ્તે આવેલા ગાર્ડનમાં ચોક્કસપણે પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે પરંતુ તેનું ભાડુ અને નિયમો નક્કી થયા બાદ જ સંચાલન માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવશે. આ ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં 15 પૈકી 1 દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. અને 1 દરખાસ્તમાં રી-ટેન્ડરીંગનો આદેશ આપવામાં આવ્યો છે.
આવાસ ભાડે આપવાના કોન્ટ્રાકટની દરખાસ્ત પણ ફરી પેન્ડિંગ
કેન્દ્ર સરકારની એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ પોલીસી અંતર્ગત શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા મહાપાલિકાના 690 ક્વાર્ટર હાલ ખાલી પડ્યા છે. જે ભાડે આપવા માટેનો કોન્ટ્રાકટ બેંગ્લોરની કીરીના હોસ્પિટાલીટી પ્રા.લી.ને આપવા માટે અગાઉ એક મહિના પૂર્વે સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં મહાપાલિકાને ભાડાની કુલ આવકમાંથી માત્ર 25 ટકા જ હિસ્સો મળતો હતો અને 75 ટકા હિસ્સો કોન્ટ્રાકટરને ફાળે જતો હતો. આવામાં આ દરખાસ્ત અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આજે મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં ફરી એકવખત આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે અને સીટીમાં આ પોલીસીનો અમલ કરવામાં આવ્યો હોય તેને ભાડાપેટે કોન્ટ્રાકટર દ્વારા મહાપાલિકાને કેટલી રકમ આપવામાં આવે છે તેનો વધુ અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.