રાજકોટમાં તાજેતરમાં રૂ૪૭.૫૦ કરોડના ખર્ચે લગાવાયેલા ૪૮૭ સીસીટીવી કેમેરાની દુર્દશા અંગે ‘અબતક’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ મહાપાલિકા તંત્ર જાગ્યું: તાબડતોબ રિપેરીંગ શરૂ

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી ફરિયાદ પહોંચી: રાજકોટ આઈ-વે પ્રોજેકટમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા પાની લાલઘુમ: કોન્ટ્રાકટર સામે આકરી કાર્યવાહીના એંધાણ

સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટને ચારેય દિશામાં સલામત રાખવા માટે મહાપાલિકા દ્વારા રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત રૂ.૬૩ કરોડના ખર્ચે શહેરમાં ૯૭૩ સીસીટીવી કેમેરા લગાવામાં આવનાર છે. પ્રથમ તબકકામાં શહેરના ૧૦૭ રાજમાર્ગો પર રૂ.૪૭.૫૦ કરોડના ખર્ચે ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવવી દેવામાં આવ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી દ્વારા આ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બે માસમાં જ સીસીટીવી કેમેરાન દુર્દશા અંગે ‘અબતક’ દૈનિકે પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ મહાપાલિકા તંત્ર સફાળુ જાગી ગયું છે અને અહેવાલના ૧૨ કલાકમાં જ સીસીટીવી કેમેરાની રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટને સુરક્ષિત રાખવા માટે શહેરભરમાં ૩૫ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ જયારે આ પ્રોજેકટ સાકાર થવાની ઘડી આવી ત્યારે પ્રોજેકટ કોસ્ટ બમણી એટલે કે રૂ.૬૩ કરોડ થઈ જતા પ્રથમ નજરે જ રાજકોટ આઈ-વે પ્રોજેકટ સામે શંકા સેવાઈ રહી છે. પ્રથમ તબકકે શહેરમાં ૪૭.૫૦ કરોડના ખર્ચે ફીટ કરવામાં આવેલા ૪૮૭ સીસીટીવી કેમેરાની ગુણવતા એટલી હદે ખરાબ છે કે લોકાર્પણના બે માસ બાદ જ ૧૫૦ ફુટ રીંગ રોડ પર અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા સ્ટ્રકચરથી છુટા પડી વાયરલો પર લટકતા નજરે પડે છે તો યોગ્ય મેઈન્ટેન્સના અભાવે અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા તોતીંગ વૃક્ષોની ડાળીઓ પાછળ આવી ગયા હોવાના કારણે તિસરી આંખ આંધળી થઈ ગઈ છે તો હાલ ચૂંટણીના મહાકાય રાજકીય બેનરોએ પણ સીસીટીવી કેમેરાની આંખ બંધ કરી દીધી છે. આ અંગે ગત ગુરુવારે ‘અબતક’ દૈનિકે રાજકોટના રખોપા કરતા સીસીટીવી કેમેરાનો રખેવાળ કોણ તેવા શિષર્ક હેઠળ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

સીસીટીવી કેમેરા ફીટ કરવા અને તેની ગુણવતામાં એજન્સીએ ગુનાહિત બેદરકારી દાખવી હોવાની વાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચી હતી. તેઓના ડ્રીમ પ્રોજેકટસમા રાજકોટ આઈ-વે પ્રોજેકટ સામે આંગળીઓ ચીંધાવાનું શરૂ થતા તે લાલઘુમ થઈ ગયા છે અને કોન્ટ્રાકટર સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.