- યુપી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભાજપને મોટો ફટકો: સતત ત્રીજી વખત સરકાર બની રહી છે પરંતુ બેઠકોમાં ઘટાડો થતો હોવાના સંકેતો
લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા દેશભરમાં એક સૂત્ર વહેતું કરવામાં આવ્યું હતું કે ‘અબ કી બાર 400 કે પાર’ પરંતુ આ સંકલ્પ હાલ મત ગણતરીના પ્રાથમિક રૂઝાનમાં એકપણ દ્રષ્ટિએ સાકાર થતો હોય તેવું લાગતું નથી. સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બની રહી છે પરંતુ બેઠકોમાં ઘટાડો થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. યુપી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે.
2019માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે ભાજપ પ્રેરિત એનડીએ 356 બેઠકો સાથે ફરી સત્તારૂઢ થયો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ભાજપ વધુ પડતા આત્મવિશ્ર્વાસ રહ્યો હતો અને ‘અબ કી બાર 400 કે પાર’ સૂત્ર વહેતું કર્યું હતું. જમ્મુ-કાશ્મિરમાં 370ની કલમ હટાવ્યા બાદ આ મુદ્ાને હાઇલાઇટ્સ કરવા માટે ભાજપ પોતે 370થી વધુ બેઠકો જીતશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે. તેવો સંકલ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીના સાત તબક્કામાં આ સૂત્ર જોઇએ તેટલું ચાલ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે 414 બેઠકો જીતી હતી. આ વખતે એવું લાગી રહ્યું હતું કે ચાર દાયકા જૂનો આ રેકોર્ડ તૂટી જશે. પરંતુ વિશ્ર્વની સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું બિરૂદ ધરાવતા ભારતના કરોડો મતદારોએ ખૂબ જ પરિપક્વતા દાખવી છે. લોકશાહીમાં શાસક જેટલું જ વિપક્ષનું મહત્વ રહેલું છે. નબળા વિપક્ષના કારણે છેલ્લા 10 વર્ષથી શાસકો બળુકા બની ગયા છે અને એક તરફી નિર્ણય લેવા માંડ્યા હોય તેવું દેશવાસીઓને મહેસૂસ થવા માંડ્યું છે. આ વાતને જનતાએ પણ ગાંઠે બાંધી લીધી હતી અને એ જ પ્રમાણે મતદાન કર્યું હોય તેવું લાગે છે. ભાજપ પ્રેરિત એનડીએ સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. પરંતુ ભાજપ દ્વારા 400થી વધુ બેઠક જીતવાનો જે સંકલ્પ રાખવામાં આવ્યો હતો. તે હાલ એકપણ દ્રષ્ટિએ પરિપૂર્ણ થતો હોય તેવું લાગતું નથી. 300 કે 325 બેઠકો વચ્ચે ભાજપનો વિજય રથ અટકી જાય તેવું હાલ દેખાઇ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યું છે. ગત વખતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી ભાજપને 73 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે અહિં સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. સમાજવાદી પાર્ટીને 40થી વધુ બેઠકો પ્રાપ્ત થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. બપોર સુધીમાં પરિણામ આવી જશે. જેમાં એક વાત બહું સ્પષ્ટ છે કે ભાજપ કોઇપણ કાળે 400 બેઠકો સુધી પહોંચતું નથી. એક્ઝિટ પોલના તારણો મુજબ એનડીએ ગઠબંધનને બેઠકો મળતી ન હોવાના કારણે શેરબજાર પણ ધડાકાભેર પટકાયું છે. ઇન્ડિયા ગઠબંધને ખૂબ જ સારો દેખાવ કર્યો છે.
ભાજપના કાર્યકરો અને સમર્થકોનો ઉત્સાહ વધારવા માટે ભાજપ દ્વારા ‘અબ કી બાર 400 કે પાર’નું સૂત્ર વહેતું કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષે પ્રજા સમક્ષ આ સૂત્રને અલગ રીતે જ રજૂ કર્યું હતું. કોંગ્રેસ સહિતના એનડીએ ગઠબંધનમાં સામેલ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ વાત ચલાવી હતી કે ભાજપ 400થી વધુ બેઠકો જીતી બંધારણમાં મોટા પાયે ફેરફાર કરવા માંગે છે અને અનામત પણ નાબૂદ કરવા ઇચ્છી રહ્યું છે. આ વાતની મતદારો પર ખૂબ જ વ્યાપક અસર પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 400થી વધુ બેઠક જીતવાની વાત કરનારૂં ભાજપ હાલ 300 બેઠક સુધી પણ પહોંચી શકે તેવા કોઇ જ આસાર મળતા નથી. ભારતની રાજનીતીમાં એવું કહેવામાં આવે છે કે દિલ્હી જવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને ખોબલા મોંઢે મત આપનાર યુપીએ આ વખતે અયોધ્યામાં રામ મંદિરમાં નિર્માણ બાદ જાણે મોંઢુ ફેરવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. યુપીમાં ભાજપને સૌથી મોટું નુકશાન ગયું છે. ગત ચૂંટણીમાં ભાજપને યુપીમાંથી 62 બેઠક મળી હતી. જ્યારે એનડીએ સાથે જોડાયેલા પક્ષને બે બેઠક મળી હતી. આ વખતે યુપીમાંથી ભાજપ હાલ 30થી 32 બેઠકો જ જીતી રહ્યું છે. જ્યારે સમાજવાદી પાર્ટી 40થી 45 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.