ઉપલેટાના પાનેલી, સાતવડીમાં દોઢ ઇંચ વરસાદ ચેક ડેમોમાં નવા નીર આવ્યા: ઠંડક પ્રસરી ગઇ
ધરતી પુત્રોને ભીમ અગીયાર કોરા જતાં વાવણીના મુહુર્ત સચવાયા ન હતો પણ તાલુકાના અમુક ગામોમાં 1 થી બે ઇંચ વરસાદ વરસી જતા ચેક ડેમોમાં નવા નીર આવ્યાં હતા.તાલુકાના સાતવડી, પાનેલીમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં આવેલ પલટાને કારણે દોઢ ઇંચ જેવું પાણી પડી જતા ઠંડક પ્રસરી ગઇ હતી અમુક ખેતરોમાં વાવણી પહેલા પાણી ભરાઇ ગયા હતા જયારે ચેક ડેમો અને વોકળામાં નવા નીરની નીરની આવક થઇ હતી ચોમાસ નો છુટછાયો તાલુકામાં પ્રથમ વરસાદ હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ધરતી પુત્રો ની ભીમ અગીયાર કોરા જતાં ચિંતા વધી હતી પણ ગઇકાલે વરસાદ વરસતા ખેડુતો ને હવે સમયસર વરસાદની આશા બંધાણી છે.
વાંકાનેર પંથકમાં એકાદ ઇંચથી વધુ વરસાદ: ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોડાયા
વાંકાનેર તથા પંથકમાં અસહ્ય તડકા તથા બફારામાં શેકાતા પ્રજાજનોના હૈયે ટાઢક આપતા મેઘરાજા રવિવારે સાંજે મન મુકીને વરસ્યા હતા. ગાજ-વીજ સાથે શરૂ થયેલ વરસાદ વાંકાનેર શહેર કરતા ગ્રામ્ય પંથકમાં વાવણી જોગ વરસાદ થતા ખેડૂતોના ચહેરા પણ ખુશ ખુશાલ દેખાઇ રહ્યા છે. વાંકાનેર પંથકના મહિકા માહોલ જેમાં મહિકા, કોઠી, જોધપર, જાલસીઠા, હોલમઢ, રસ્તકગઢ, ગારીયા માટેલ પંથકમાં ઢુવા, માટેલ વગેરે તથા તિથવા માહોલમાં અમરસર, પાંચ દ્વારકા, તીથવા, પીપળીયારાજ તથા વાલાસણમાંથી સારા વાવણી લાયક વરસાદના વાવડ મડી રહ્યા છે. જ્યારે વરસાદ દરમ્યાન રાબેતા મુજબ વીજ પૂરવઠો ખોરવાઇ ગયેલ હતો, જે મોડી સાંજ સુધી શરૂ થયેલ ન હતો, વીજ કર્મચારીઓ ફોલ્ટ ગોતવા દોડધામ કરી રહ્યા હતા. શહેરમાં પણ અનેક સ્થળે વીજ પુરવઠો ગુલ થઇ ગયો હતો.
જેતપુર પંથકમાં મોસમના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી
જેતપુરના ખજુરી ગુંદાળા, સ્ટેશન વાવડી અને ખીરસરા ગામે મૌસમનો પ્રથમ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જેમાં ખજુરી ગુંદાળા ગામે મુશળધાર વરસાદને કારણે ગામમાં પ્રવેશવાનો બેઠો પુલ પર પાણી ચડી ગામમાં અવરજવર બંધ થઈ ગઈ હતી.અંર આવો માહોલ ખીરસરા વાડાસડા વચ્ચેનો રોડ પર આવેલ પુલ પર ઘોડાપુર આવતા આ બંને ગામ વચ્ચેનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. જેથી પંથકમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી.
મોરબી શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
મોરબી જિલ્લામા આજે એક પછી એક દરેક તાલુકામાં વરસાદનું આગમન થઈ રહ્યું હતું ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં પણ વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટું આવ્યું હતું જેથી મોરબી વાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનો જાણે ગરમીની કેદ માંથી છૂટ્યા હોય એમ વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા હતા. જ્યારે હળવદના કડીયાણા ગામે પણ ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું આગમન થયુ છે. આ જોરદાર પવન ફુંકાવાને કારણે 20 20 વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે આ વરસાદથી કેરીના પાકને નુકશાન થયું છે. ઉનાળુ તલ અને ગવારને પણ નુકશાન થયું છે.કપાસ અને મગફળીના પાકને સારો ફાયદો થયો છે.આ વરસાદથી ક્યાંક ખુશી અને ક્યાંક દુ:ખની લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે.