- પ્રામાણીકતાના પાયા પર ઉભી થયેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં દાગી અને સત્તાપ્રેમી નેતાઓ બદનામ કરી રહ્યા છે
- આડેધડ ભરતી મેળાથી પ્રામાણીક રાજનીતિના ઉદેશ સાથે આપમાં જોડાયેલા નેતાઓ અને કાર્યકરોના હૈયા ઉકળી રહ્યા છે
કોઇપણ મહાજંગ જીતવા માટે મજબૂત સેનાપતિ સાથે પ્રામાણીક સૈન્યની પણ ખૂબ જ આવશ્યકતા રહેલી છે. પ્રામાણીકતાના પાયા પર ઉભી થયેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ છેલ્લાં એક દશકામાં ભારતની રાજનીતીમાં આમૂલ પરિવર્તન આણ્યુ છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર સત્તાની લાલચમાં આપનું ઝાડુ પકડનારા કેટલાક નેતાઓએ સૂર્યોદય પહેલા જ પાર્ટી માટે સૂર્યાસ્ત જેવી સ્થિતિનું નિર્માણ સર્જી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આપે નાછૂટકે પ્રદેશ પ્રમુખને બાદ કરતા સમગ્ર સંગઠન માળખાને વિખેરી નાંખવાની ફરજ પડી છે.
અરવિંદ કેજરીવાલે વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં પ્રામાણીક રાજનીતીનો સૂર્યોદય કરવાના ઉમદા આશય સાથે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી છે. પ્રામાણીક નેતાઓને દેશવાસીઓ ખભ્ભે બેસાડવા હમેંશા તૈયાર રહે છે. તે વાત કેજરીવાલે સાબિત કરી દીધું અને સતત બે ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બહુમતી સાથે દિલ્હીની ગાદી કબ્જે કરી આટલું જ નહિં ગત વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં પણ આપને મતદારોએ સહર્ષ વધાવી લીધા તેની પાછળનું એકમાત્ર કારણ પ્રામાણીક રાજનીતી છે. ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પણ ગુજરાતવાસીઓએ આપને જબ્બર સમર્થન આપ્યું હતું. સુરતને બાદ કરતા અન્ય શહેરોમાં ભલે સ્પષ્ટ જનાદેશ ન મળ્યો હોય પરંતુ જે રીતે પ્રથમ ચૂંટણીમાં જ મતદારોએ તેઓને વધાવ્યા એ જોતા એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં આપનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પરંતુ કેટલાક સમયથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આડેધડ ભરતી મેળો શરૂ કર્યો છે. અગાઉ આપમાં ટકોરા મારી પ્રામાણીક લોકોની ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે ગમે તેવા લોકોને ઝાડુ પકડાવી દેવામાં આવે છે.
રાજકોટમાં અગાઉ પણ પોતાની સત્તાની મહત્વકાંક્ષા ન સંતોષાતા કેટલાક નેતાઓએ માતૃસંસ્થા સાથે છેડો ફાડી રાજનીતીમાંથી થોડો સમય બ્રેક લઇ લીધો હતો. ફરી જ્યારે વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે આવા સત્તા લાલચુ લોકો ફરી એક્ટિવ થયા છે અને વિધાનસભાની ચુંટણી લડવા માટે આપમાં જોડાઇ રહ્યા છે. માતૃસંસ્થા દ્વારા કદ કરતા પણ વધુ મહત્વ આપવામાં આવ્યું હોવા છતાં આવા સત્તા લાલચુ પાપીઓની હજુ સત્તા ભૂખ સંતોષાતી નથી. ટિકીટના કમિન્ટમેન્ટ સાથે માતૃસંસ્થા સાથે દગ્ગો કરી આપમાં ખેસ ધારણ કરનારા કેટલાક નેતાઓને હવે પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં સ્થાન જોઇએ છે. ભરતી મેળા બાદ ગજીયો ફાટી નીકળતા ગઇકાલે પ્રદેશ પ્રમુખને બાદ કરતા આખા ગુજરાતમાં આપનું સંગઠન માળખું વિખેરી નાંખવામાં આવ્યું હતું. સૂર્યોદય પહેલા જ આપના સૂર્યાસ્ત માટે સંપૂર્ણપણે રાજકોટ અને સૌરાષ્ટ્રના અમુક સત્તાપ્રેમી નેતાઓ જ જવાબદાર હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે.
જે ભૂતકાળમાં સત્તા માટે પોતાની માતૃસંસ્થા સાથે પણ ઝગડો કરનારાઓ આપમાં આવી પક્ષનું શું ભલુ કરશે તેવા સવાલો પણ કાર્યકરોના મનમાં ઉભા થઇ રહ્યા છે. સેનાપતિ અર્થાત અરવિંદ કેજરીવાલ ચોક્કસ નખશીખ પ્રામાણીક છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી પરંતુ ગુજરાતમાં જે રીતે સત્તા લાલચુ અને રાજનીતીમાં જેઓની છબી અત્યંત ખરડાયેલી છે તેઓને પ્રવેશમાં આપવામાં આવી રહ્યો હોવાના કારણે આમ આદમી પાર્ટીનો સત્યનાશ નીકળી જશે. તેવી દહેશત પણ જણાઇ રહી છે. સુરત મહાપાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ સત્તાની લાલચમાં પાંચ થી છ નગરસેવકોએ પક્ષ પલટો કરી લીધો હતો. બસ આવો જ કંઇક સિનારીયો વિધાનસભાની ચુંટણી પછી જોવા મળશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જે નેતાઓએ હાલ માતૃસંસ્થા સાથે દગાખોરી કરી આપનું ઝાડુ પકડી લીધુ છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળતા મળતાની સાથે ફરી આપનો સાથ છોડી જ્યાં સત્તા દેખાતી હશે તેની વંડીએ બેસી જશે. રાજકોટમાં અમૂક નેતાઓ વિપક્ષમાં હોવા છતાં પ્રજાપ્રશ્ર્ન હલ કરવા માટે ક્યારેય ગંભીર બન્યા નથી. તેઓને માત્રને માત્ર પોતાની લીટી લાંબી કરવામાં જ રસ છે. જો પ્રજા જાકારો આપે તો તેઓ નિષ્ક્રિય થઇ જાય અને ફરી પાછી ચુંટણી નજીક આવે ત્યારે ફરી પ્રજાની સહાનુભૂતિ માટે હરખ પદુડા થઇ દોડવા લાગે આવા નેતાઓ માત્ર રાજકીય રીતે નહીં પરંતુ ચારિત્ર્ય પણ થોડા ખરડાયેલા છે. સત્તા લાલચુ નેતાઓના પાપે આપે સંગઠન માળખું વિખેરી નાંખવાની જરૂર પડી છે પરંતુ હવે પક્ષ પાસે ભૂલ સુધારી લેવાની સુવર્ણ તક છે. નવા સંગઠન માળખામાં પ્રજાના હિત સાથે પ્રામાણીક પણે રાજનીતીમાં પ્રવેશ કરનારને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવે તેવી લોકલાગણી ઉભી થઇ રહી છે.
‘આપ’ હવે આમ નહિ ખાસ: નેતાઓ ખંડણી પણ ઉઘરાવવા લાગ્યા
આમ આદમી પાર્ટીની ચિંતા સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા આપનું સર્જન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ પોતે આર્થિક રીતે સક્ષમ બની જશે તેવી મેલી મુરાદ સાથે આપનું ઝાડુ પકડનાર સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓનું પોત હવે પ્રકાશવા લાગ્યું છે. આમ આદમી પાર્ટીના સંગઠનમાં સ્થાન ધરાવતા કેટલાક નેતાઓ હવે વેપારીઓ અને ઉદ્યોગપતિ પાસેથી ખૂલ્લે આમ ખંડણી ઉઘરાવવા માંડ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ગુજરાતમાં સફળતા પહેલા જ આપના કહેવાતા કેટલાક નેતાઓનો આતંક વધી ગયો હોવાની ફરિયાદ ખૂદ આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી હોવાની પણ જાણવામાં મળી રહ્યું છે. આરંભમાં જો આવા પ્રકરણો બહાર આવશે તો પ્રજાની જે અપેક્ષા આપ પ્રત્યે છે તે ક્યારેય સંતોષાશે નહિં.
કેજરીવાલ પ્રામાણીક પણ ગુજરાતના દાગી નેતાઓ પથારી ફેરવી રહ્યા છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે પ્રામાણીક છે તેમાં રતિભાર પણ શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દાગી નેતાઓએ આપમાં પ્રવેશ કર્યા બાદ પ્રામાણીક ગણાતી આ પાર્ટીના બંધારણની જાણે પથારી ફેરવી નાંખી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના અમૂક નેતાઓએ તો પોતાનો અંગત અને રાજકીય સ્વાર્થ સંતોષવા માટે જ આપનું ઝાડુ પકડ્યું છે. આ સત્તા લાલચુઓના પાપે જ આમ આદમી પાર્ટીએ ગઇકાલે અચાનક પોતાનું સંગઠન માળખુ વેર વિખેર કરી નાખવાની ફરજ પડી હતી. પ્રામાણીક પાર્ટીમાં અપ્રામાણીક, ચારિત્ર્ય વિહોણા અને માત્રને માત્ર પોતાનો સ્વાર્થ જોતા કેટલાક નેતાઓએ આપને હવે એવા સ્ટેજ પર મૂકી દીધી છે કે ત્યાંથી પાછું વળવું પક્ષ માટે પણ મુશ્કેલ બની ગયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓની ફરિયાદ કેજરીવાલ સુધી પહોંચ્યાની ચર્ચા
આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા બાદ રાજકોટના કેટલાક નેતાઓએ રાજકીય આતંક મચાવી દીધો છે. તેઓ પક્ષને નુકશાની થાય તેવા કાર્યો કરી રહ્યા છે. માત્રને માત્ર પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષવા માટે નિમ્નકક્ષાની કામગીરી કરવા માટે પણ અચકાતા નથી. વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે. મહિલા કાર્યકરોને વ્હોટ્સએપમાં બિભત્સ મેસેજો મોકલે છે. દારૂ ઢીંચીને દંગલો કરે છે. જે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે તે પક્ષના કાર્યકરોને પોતાની સાથે જોડાઇ જવા માટે આડેધડ ધમકાવી રહ્યા છે. આવા કેટલાક સત્તા લાલચુ નેતાઓના પાપે આપની છબી સતત ખરડાઇ રહી હોવાની ફરિયાદો છેક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. જેના કારણે તાત્કાલીક અસરથી સંગઠન માળખુ વિખેરી નાંખવાની ફરજ પડી છે. હવે આવા નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે એવું પણ માનવામાં આવી રહ્યું છે.
મહિલા કાર્યકરો સહિત કેટલાક મોટા માથા હવે આપ છોડવાની તૈયારીમાં
ભારતના રાજકારણમાં એક પ્રામાણીક રાજનીતીનો ઉદય થતાં માત્રને માત્ર દેશભક્તિના આશ્રય સાથે કેટલાક આગેવાનોએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડ્યો હતો. મહિલાઓ પણ હોંશેહોંશે આપમાં જોડાઇ હતી. પરંતુ જે રીતે પક્ષમાં આડેધડ ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે અને સમાજે જેને જાકારો આપ્યો છે તેવા નેતાઓ માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે. તેનાથી કેટલાક આગેવાનો અને કાર્યકરોના હૈયા રિતસર સળગી રહ્યા છે. સંગઠન માળખાના વિસર્જન બાદ હવે કેટલાક મહિલા કાર્યકરો અને મોટા માથાઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દેવાનો મક્કમ મન બનાવી લીધું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજકોટમાં પણ કેટલાક પાયાના કાર્યકરો હવે આપને ટાટા બાય બાય કહેવાનું મન બનાવી ચુક્યા છે.
‘આપ’ વિકલ્પ બને તે પહેલા જ વિસર્જીત થઇ જશે?
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના વિકલ્પ તરીકે જનતા જોઇ રહી છે. જે રીતે એક સક્ષમ વિરોધ પક્ષ તરીકે આપ ઉભરી રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન આપ લઇ લેશે પરંતુ સત્તા લાલચુ નેતાઓની એન્ટ્રીના કારણે પક્ષની છબી સતત ખરડાઇ રહી છે. ત્યારે રાજકીય પંડિતોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આપ વિકલ્પ બને તે પહેલા વિસર્જીત થઇ જાય તેવી દહેશત હાલ દેખાઇ રહી છે.