માધુરી

માધુરીના ઘરની સામે જ એક અરૂણ- તરૂણ શિલ્પી રહેવા આવ્યો. થોડા દિવસોમાં એની ખ્યાતિ આખાય શહેરમાં ફેલાઇ ગઇ.

એણે પહેલી જ વાર ઝરૂખામાંથી માધુરીને જોઇ. બસ, એ માધુરીનો આશિક બની ગયો. માધુરીનું સૌંદર્ય અને એનાં અંગોની નજાકતે શિલ્પીની મનનૌકાને હાલક- ડોલક કરી મૂકી. એ સતત માધુરીના ઝરૂખા તરફ મીટ માંડીને બેસી રહેતો. બીજાં કામો છોડીને એ દરરોજ આરસના ટૂકડામાંથી માધુરીનું એક પૂતળું બનાવવા લાગ્યો.

માધુરી શિલ્પીના ઇરાદાને પામી ગઇ અને એણે લીલી ઝંડી

આપી દીધી. શિલ્પી દરરોજ માધુરીનું નવું પૂતળુ ઘડ, માધુરીને ઝરૂખેથી બતાવે અને માધુરી ખોબાઓ મોઢે સ્મિત વેરીને ઝરૂખેથી હટી જાય. આ એમનો નિત્યક્રમ હતો અને નિત્યકર્મ પણ

એક સવારે શિલ્પીએ માધુરીને સંજ્ઞા કરીને બોલાવી. માધુરીએ હાથ ઉંચો કરીને સંજ્ઞાનો પ્રત્યુત્તર વાળ્યો. શિલ્પી મનોમન મલકાયો. આજે એ પ્રથમવાર જ માધુરીને એકદમ નજીકથી મળવાનો હતો. એ આછી આછી કંપારી અનુભવી રહ્યો હતો, કેમ કે પહેલીવાર જ એ માધુરી સાથે વાત કરવાનો હતો.

માધુરી આવતાંની સાથે ટેબલ ઉપર માથું ઢાળીને રડવા માંડી. માધુરી, માધુરી, શું થયું તને?” એ બેબાકળો બનીને બોલ્યો, “જો સામેના શો- કેસમાં આરસની બધી જ માધુરીઓ ગોઠવી છે, તને ગમે એ લઇ લે.’’

પણ માધુરીનું રૂદન તો યથાવત્ જ હતું.

માધુરી, તને મારા ઉપર શંકા છે? હું તને ત્યજી દઇશ એવો ડર છે? ના માધુરી ના, હું તારા આત્માને ચાહું છું, તારા શરીરને નહીં, જે શરીર સાથે પ્રીત કરે છે એ કયારેક દગો દે છે પણ જે આત્માને ચાહે છે એની પ્રીત આત્માની જેમ અમર છે, માધુરી, અમર છે.’

માધુરીએ ટેબલ ઉપરથી માથું ઉઠાવીને હીબકાં ભરતાં ભરતાં મોઢામાં આંગળી નાખી ‘આ…. આ…’ કરીને પોતે મૂંગી છે એવો નિર્દેશ કર્યો.

Untitled 1 Recovered 47

“અરે સાલી કપટી, તેં મને છેતર્યો છે, તું દગાબાજ છે, નાલાયક છે, નીકળ મારા ઘરની બહાર, તું તો મૂંગી છે તને હું નથી ચાહતો’’

શિલ્પીએ ધક્કા મારીને માધુરીને બહાર કાઢી અને શો- કેસમાં રાખેલી આરસની માધુરીઓના એણે ટુકડે ટુકડા કરી નાખ્યા.

 

નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.