દ્વારકા બેઠક પર પબુભા માણેકની સતત આઠમી જીત થઈ
આમ આદમી પાર્ટીએ જેને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા તે ઈસુદાન ગઢવીએ ખંભાળિયા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. ખંભાળિયા બેઠક પર ભાજપના મુળુભાઈ બેરાની જીત થઈ છે. અહીં કોંગ્રેસના સીટીંગ એમએલએ વિક્રમ માડમ પણ હાર્યા છે. જ્યારે દ્વારકા બેઠક પર પબુભા માણેકની સતત આઠમી જીત થઈ છે. અહીં કોંગ્રેસના મુળુ કંડોરિયાએ હારનો સામનો કરવો પડ્યો છે.
દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભલે હાર્યા હોય પણ નોંધપાત્ર મત મેળવવામાં સફળ રહ્યા છે.આમ આદમી પાર્ટીએ જેને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા છે એવા ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોય આ બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ખંભાળિયા બેઠક પર 1995થી 2012 સુધી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. 2017માં કોંગ્રેસના વિક્રમ માડમે અહીં જીત મેળવી હતી. આ બેઠક પર મોટાભાગે આહીર સમાજના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2022ના ચૂંટણી જંગમાં પણ ભાજપ અને કોંગ્રેસે અહીં આહીર સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે જૂના જોગી મુળુભાઈ બેરાને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસ સીટીંગ એમએલએ વિક્રમ માડમને રિપિટ કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું ખંભાળિયા વતન હોય તે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર સતવારા અને મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થશે.
દ્વારકા બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં ભાજપે સીટીંગ એમએલએ પબુભા માણેકને રિપિટ કર્યા છે. તો કોંગ્રેસે મેરામણ આહિરના બદલે મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. જેના કારણે નારાજ થયેલા મેરામણ ગોરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. અહીં હિન્દુ વાઘેર, આહીર સમાજ સિવાય સતવારા સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર હોય આમ આદમી પાર્ટીએ અહીં સતવારા સમાજમાંથી આવતા લખમણભાઈ નકુમને ટિકિટ આપી હતી.
દ્વારકા બેઠક એવી બેઠક છે કે, અહીં 1990થી 2017 સુધીમાં યોજાયેલી 7 ચૂંટણીમાં પબુભા માણેકની જીત થતી આવી છે. પબુભા આ બેઠક પર ત્રણ વાર અપક્ષ, ત્રણ વાર ભાજપ અને એક વાર કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. 2022માં પબુભા માણેકની આઠમી ચૂંટણી છે.