ખંભાળીયા બેઠક પર કોંગ્રેસના વિક્રમભાઇ માડમ, ભાજપના મુળુભાઇ બેરા અને આપના ઇસુદાન ગઢવી વચ્ચે જામશે ત્રિકોણીયો જંગ
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી વિધાનસભાની આગામી ચૂંટણી દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી લડશે. જ્યારે દ્વારકા બેઠક પરથી “આપ” દ્વારા લખમણભાઇ નકુમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખંભાળિયા બેઠક પર ત્રિકોણીયો જંગ જામશે.
ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા સિટીંગ ધારાસભ્ય વિક્રમભાઇ માડમને ફરી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાનભાઇ ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે? તે અટકળો પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે. આપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની વધુ એક યાદીમાં ગઇકાલે સાંજે બે નામો જાહેર કરાયા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ઇસુદાનભાઇ ગઢવી અને દ્વારકા બેઠક પરથી લખમણભાઇ નકુમનું નામ જાહેર કરાયું છે.
ખંભાળિયા બેઠક પર હાઇપ્રોફાઇલ ચૂંટણી જંગ જામશે ત્યાં ઉમેદવાર મતદારોનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહેશે તે વાત પરથી 8મી ડિસેમ્બરે જ પડદો ઉંચકાશે.