લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ચારેક મહિના બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પક્ષોને નવેસરથી વ્યૂહરચના તૈયાર કરવા માટે મજબૂર કર્યા છે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં પાંચ બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટી નવા જ ઉત્સાહનું સંચાર થયો છે. “આપ” દ્વારા ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા અગાઉથી કરી દેવામાં આવી છે. જેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો.સંદીપ પાઠક આજે ગુજરાતની મૂલાકાતે છે. સંગઠનલક્ષી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનો ધમધમાટ: રિવ્યૂ બેઠક
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના જણાવ્યાનુસાર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો.સંદીપ પાઠક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્ેદારો સાથે તેઓ મિટિંગ કરી હતી. આગામી લોકસભા માટે રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે. તેની એક રીવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વ જ અનેક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. “આપ” દ્વારા પોતાના ચારેય ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા પણ પક્ષમાં ચાલી રહી છે.