આખા બોલા ઓપનીંગ બેટસમેન નવજોત સિધુને સાચવો કોઈપણ રાજકીય પાર્ટી માટે મુશ્કેલ: કોંગ્રેસની દશા સાપે છછુંદર ગળ્યા જેવી: ‘આપ’ સિધુની ‘હા’ની રાહમા: ભાજપ તેલ જૂવો અને તેલની ધાર જૂવો જેવી ભૂમીકામાં

‘આપ’ ભૂજે અચ્છે લગને લગે મેરે સારે સપને સચ લગને લગે જેવો ઘાટ હાલ પંજાબમાં ચાલી રહ્યો છે. પોતાના ખૂરશી પ્રેમની મહત્વકાંક્ષા સંતોષવા માટે નવજોતસિંહ સિધ્ધુ કોંગ્રેસનું નાક બરાબર રીતે દબાવી રહ્યા છે.તેઓએ ગઈકાલે એવું નિવેદન આપ્યું હતુકે, રાજનીતિમાં મારા પ્રવેશનું વિઝન આમ આદમી પાર્ટી બરાબર સમજી રહી છે. આ નિવેદન બાદ પંજાબના રાજકારણમાં જબરો ગરમાવો આવી ગયો છે. એક પણ રાજકીય પાર્ટી માટે સાચવવો મુશ્કેલ એવા ઓપનીંગ બેટસમેન સિધ્ધુ જ પંજાબમાં કોંગ્રેસની નૈયા ડુબાડે તેવું લાગી રહ્યુ છે.

ભાજપમાંથી પોતાની રાજકીય ઈનીંગનો આરંભ કરનાર નવજોતસિંહ સિધ્ધુનો વાંકુ પડતા તેઓએ ભાજપનો ખેંસ ફગાવી કોંગ્રેસને હાથ પકડી લીધો હતો. કોંગ્રેસે પણ તેઓને પંજાબના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા છતાં સિધ્ધુ પાજીની રાજકીય મહત્વકાંક્ષા સંતોષાય નથી. તેઓને ક્રિકેટના મેદાનની માફક રાજકીય મેદાનમાં પણ કેપ્ટન સાથે છાશવારે ફટકે છે.

વર્ષ 2022માં પંજાબની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સિધ્ધુ પાજી એવું ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસ તેઓને મુખ્યમંત્રી પદે પ્રમોટ કરે. આ મામલે છેલ્લા ઘણા દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ બાદ હવે સિધ્ધુ કોંગ્રેસનો પંજો પણ છોડીદેવા ઈચ્છી રહ્યો છે. અને આપનું ઝાડુ પકડી લ્યે તેવું લાગી રહ્યું છે.

તક મળ્યે પંજાબના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કરવાનો એકપણ મોકો ન ચૂકનાર સિધુએ હવે નવો ચોકકો માર્યો છે. તેઓએ એવું નિવેદન આપ્યું છે કે પંજાબમાં વિપક્ષી પાર્ટી આપે હંમેશા મારા વિઝન અને કામને ઓળખ્યું છે. હું પંજાબનું મોડલ રજૂ કરી રહ્યો છું અને આપ જાણે છે કે પંજાબ માટે કોણ લડી રહ્યું છે. સિધ્ધુનું આ નિવેદન ખૂબજ મહત્વપૂર્ણ છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી માથે છે. ત્યારે પંજાબમાં કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ જામી છે.મુખ્યમંત્રી અમરિંદરસિંહ કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધીને મળી આવ્યા બાદ પણ કોઈ સમાધાનનો રસ્તો નિકળ્યો નથી.

રાહુલ ગાંધી સાથે પ્રશાંત કિશોર સાથેની મૂલાકાત બાદ રાજકીય અટકળો તેજ બની છે. કોંગ્રેસ સિધ્ધુને કેમ્પેન કમિટીનાં ચેરમેન બનાવવા ઈચ્છી રહ્યા છે. પરંતુ પાજીને મુખ્યમંત્રી પદસિવાય કશું ખપતુ નથી. પંજાબ ગુમાવવું ન પડે તે માટે કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યું છે. ભાજપથી છૂટા પડેલા અકાલીદળ સાથે કોંગ્રેસ હાથ મિલાવવા માંગે છે. જે શકય બનતુ નથી. આવામાં સિધ્ધુની રાજકીય જીજીવીસાના કારણે કોંગ્રેસ પંજાબ ગુમાવવું પડે તેવો ઘાટ સર્જાયો છે.

બીજી તરફ ‘આપ’ માટે આ વખતે પંજાબમાં સારી તકો દેખાય રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અગાઉ કહી ચૂકયા છે જો અમે પંજાબમાં જીતીશુ તો મુખ્યમંત્રી શીખ સમૂદાયનો હશે. સિધ્ધુ પણ આપના વખાણ કરી રહ્યા છે. બંને વિધાનસભાની ચૂંટણી પહેલા હાથ મિલાવી લ્યે તો કોંગ્રેસ માટે પંજાબ બચાવવું મુશ્કેલ બની જાય સિધ્ધુએ અગાઉ પણ એવી વાત કરી હતી કે મારી સાથે 78 ધારાસભ્યો છે.પોતાના સમર્થકો સાથે જો સિધ્ધુ આપનું ઝાડુ પકડી લ્યે તો પંજાબમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જાય.

ભાજપ હાલ પંજાબમાં ચાલતો રાજકીય તમાશો નિહાળી રહ્યો છે. અને છેલ્લી ઘડીએ પંજાબ ફતેહ કરવા માટેનો પોતાની વ્યૂહરચના ફાઈનલ કરશે સિધ્ધુને હવે પંજાબના મુખ્યમંત્રી પદ સિવાય કશું ઓછું ખપતુ નથી જો સિધ્ધુ આપમાં પ્રવેશ કરે તો પંજાબ પણ કોંગ્રેસના હાથમાંથી નીકળી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.