રાષ્ટ્ર હિત રક્ષક પરિષદની આમંત્રણ પત્રિકામાં નામ હોવાના કારણે ગયો હતો, કોંગ્રેસના નેતાઓનાં નામ બોલવાનું શરૂ થતા હું નિકળી ગયો: સાગઠીયા
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનો આમ આદમી પાર્ટીમાં હરિ રસ ખાટો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તેઓ આપના નેતા હોવા છતાં ગઈકાલે કોંગ્રેસના એક કાર્યક્રમમાં સ્ટેજ પર દેખાતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું હતુ.
આસામની જેલમાં નવ નવ દિવસ રહ્યા બાદ જામીન મંજૂર થતા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું ગુજરાતમાં આગમન થતા અમદાવાદમાં રાષ્ટ્ર હિત રક્ષક પરિષદ દ્વારા સત્યમેવ જયતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભા કોંગ્રેસ પ્રેરિત હોવાની વાત રાજયમાં નાના બાળકને પણ ખબર છે દરમિયાન આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ અને ફોટો હોવાના કારણે અગાઉ કોંગ્રેસના અને હવે આપના નેતા બની ગયેલા વશરામ સાગઠીયા આ સત્યમેવ જયતે જનસભામાં સામેલ થયા હતા.
દરમિયાન ‘અબતક’ સાથેની વાતચિતમાં તેઓએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રહિતરક્ષક પરિષદના નેજા હેઠળ સત્યમેવ જયતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંસ્થામાં હું મહામંત્રી છઉં અને આમંત્રણ પત્રિકામાં મારૂ નામ છાપવામાં આવ્યું હતુ. એક દલિત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જયારે જયારે લોકોના ન્યાય માટે લડી રહ્યો હોય ત્યારે તેને પૂરતો સપોર્ટ આપવો મારી ફરજ છે.
સંસ્થાના હોદેદાર તરીકે હું આ કાર્યક્રમમાં સામેલ થયો હતો. દરમિયાન કોંગ્રેસના એસટી સેલના ચેરમેન જયારે એવી જાહેરાત કરી છે કોંગ્રેસ પ્રેરિત આ સંમેલનમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા બદલે લોકોનો આભાર માનતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓનું આગમન થતા હું સ્ટેજ છોડી નિકળી ગયો હતો. જે સંસ્થા દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ હું તેનો હોદેદાર હોવાના નાતે ગયો હતો. બાકી કોંગ્રેસના નેતાઓ એમ માનતા હોય કે ‘આપ’માં મને ફાવતુ નથી અને મારે ફરી કોંગ્રેસમાં આવવું છે તો તે વાતમાં માલ નથી.