કોરોનામાં મોત પછી પણ માણસને શાંતિ નથી!

એક સાથે ૨૩ના મોતથી સ્મશાન ગૃહ હાઉસ ફૂલ: હૃદય રોગના કારણે સવારે સાત વાગે મૃત્યુ પામનારના રાતે બે વાગે થયા અંતિમ સંસ્કાર

મોતનો મલાજો જાળવવામાં તંત્રની લાપરવાહીથી મૃતકના પરિવારમાં રોષ: એક સાથે ૨૩ મૃતકના પરિવારે યાતના વેઢી

કોરોના મહામારીના કારણે માનવતા અને સંવેદનશીલની તંત્ર પાસે અપેક્ષા રાખવી વધુ પડી ગણવામાં આવે છે. પરંતુ ગમે તે કપરી પરિસ્થિતીમાં મોતનો મલાજો જાળવવો એ એક માનવીય અભિગમ સાથે માણસાય બતાવી નૈતિક ફરજ બની રહે છે. ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તંત્ર અને સ્મશાન ગૃહના સંચાલકો મોતનો મલાજો જાળવવામાં ઉણા ઉતર્યાની શરમ જનક ઘટના સામે આવતા મૃતકના પરિવાર રોષે ભરાયા છે.

કોરોના કારણે અનેક વ્યક્તિઓ બેરોજગાર અને બેકાર બન્યા છે તે તમામનો પરિવાર ફરી કિલ્લોલ કરતો થાય તે માટે સરકાર દ્વારા આવકાર્ય જાહેરાત કરી છે. તેમજ અનેક સેવાભાવી સંસ્થા દ્વારા ઉદાર હાથે દાન આપી રાજકોટમાં માનવતાની મહેક દીપી ઉઠે તેવી પ્રસંશનીય સેવા પુરી પાડી છે.

કુદરતી આપતિ સમયે સેવાનો સાદ પડે ત્યારે રાજકોટવાસીઓ હમેશા એક કદમ આગળ હોય છે. જરૂરીયાત મંદને સધિયારો આપી ફરી બેઠો કરવો તે રાજકોટની અલગ અને આગવી ઓળખ છે. ત્યારે રાજકોટવાસીઓના સેવાકીય સ્વભાવને લાંછન લાગે તેવૃ કૃત્ય સિવિલ હોસ્પિટલ અને સ્મશાન ગૃહમાં જોવા મળ્યું છે.

કોરોના વાયરસ આગળ વધતો અટકે તે માટે કેન્દ્રની આરોગ્ય કમિટિ દ્વારા અકૃદરતી તમામ મોતના પોસ્ટમોર્ટમ પૂર્વે કોરોના રિપોર્ટ કરવો અને મૃતકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે તેવા કેસમાં પોસ્ટમોર્ટમ ન કરવાની સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ગાઇડલાઇનને તો ઘોરીને પી ગયા છે પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને બેજવાબદારી ભર્યા વલણના કારણે કોરોનાનો ચેપ વધુ ન વકરે તો જ નવાઇ કહેવાય તેવું છે.

કોઠારિયા રોડ પર આવેલા હુડકો ચોકડી પાસે રહેતા શશીકાંતભાઇ તુલશીદાસભાઇ ભાલાણી નામના ૮૨ વર્ષના સોની વૃધ્ધને ગઇકાલે સવારે હૃદય રોગનો હુમલો આવતા ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોચતાની સાથે જ તેમનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતુ. તેમના મોતને કોરોના શંકાસ્પદ તરીકે ગણવામાં આવ્યું હતું.

સવારે સાત વાગે મૃત્યુ પામનાર શશીકાંતભાઇ ભાલાણીની અંતિમ વિધી મોડીરાતના બે વાગે થઇ હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એવો ખુલ્લાસો કરવામાં આવ્યો હતો કે કોરોના અને કોરોના શંકાસ્પદ મૃતકની અંતિમ વિધી રામનાથપરા સ્મશાન ગૃહ અને મોટા મવા ખાતે જ કરવામાં આવે છે. ગઇકાલે એક સાથે ૨૩ કોરોના પોઝિટીવ અને શંકાસ્પદના મોત થયા હોવાથી તેની સાવચેતી સાથે અંતિમ વિધી કરવાની હોવાથી મૃતદેહનો લાઇનમાં વારો આવે તે રીતે તેમના મૃતદેહને સ્મશાને મોકલવામાં આવતા હતા.

સિવિલ હોસ્પિટલમાં મોતનો મલાજો જાળવવામાં આવતો નથી તેમ કોરોના અંગે પણ બેદરકારી દાખવવામાં આવે છે. શશીકાંતભાઇ ભાલાણીનો રાતે બે વાગે મૃતદેહ અંતિમ વિધી માટે સ્મશાને લઇ જવામાં વારો આવ્યો ત્યારે કોવિડ-૧૯ હોસ્પિટલના ત્રીજા માળે એક સાથે પાંચ મૃતદેહ પીપીઇ કીટમાં પેક કરેલા હતા તેમાંથી શશીકાંતભાઇ ભાલાણીનો મૃતદેહ શોધી લેવા માટે હોસ્પિટલના ફરજ પરના સ્ટાફે સુચના કરતા શશીકાંતભાઇ ભાલાણીના પરિવારે પોતાના સ્વજનનો મૃતદેહ શોધવા માટે કોરોનાના ભય વચ્ચે પાંચેય મૃતદેહની પીપીઇ કીટ ખોલીને શોધવો પડયો હતો.

કોર્પોરેશનનો ‘જાદુ’ : ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીનો એક જ સરખો આંક!

મહામારીના ખપરમાં ૧૩ હોમાયા: ૪૦ કોરોના પોઝિટિવ રિપોર્ટ

કોરોના વાયરસથી અનેક તંત્રની પોલ ખોલી નાખી છે. ત્યારે કોર્પોરેશન તંત્ર દ્વારા ગમે તે કારણોસર કોરોના પોઝિટીવ રિપોર્ટનો આંક છેલ્લા ત્રણ દિવસથી એક જ સરખો જ આવ્યો છે. આ જોગાનું જોગ છે કે પછી કોરોના પોઝિટીવ રિપોર્ટના આંકડા તંત્રની ઇચ્છા મુજબના જાહેર કરવામાં આવે છે તે અંગે પણ સવાર લઇ રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટીવના મોત અને દર્દી અંગે બપોરે જાહેર કરાતા આંકડા છેલ્લા ત્રણ દિવસથી ૪૦ આવે છે. એટલે કે પોઝિટીવ રિપોર્ટનો આંક ૪૦ થાય પછી ટેસ્ટીંગ અટકાવી દેવામાં આવે છે કે આંક સાથે ચેડા કરી આંકડો છુપાવવા પ્રયાસ થઇ રહ્યા છે.

કોરોના મહામારીમાં આજે ૧૩ વ્યક્તિના મોત થયા છે. અને બપોરના બે વાગ્યા સુધીમાં ૪૦ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.