182 પૈકી આઠ યાદી પ્રસિદ્ધ કરી 100 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા : દહેગામ બેઠકની ટિકિટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને અપાઈ

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અગાઉથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હજુ ભાજપ કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી અંગે વિચાર કરી રહી છે ત્યારે આપે 182માંથી 100થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. અગાઉ 86 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે આજે વધુ 22 નવા નામ જાહેર કર્યા છે. જેમાં દહેગામ બેઠકની ટિકિટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને આપી છે.

પેપર ફૂટવાની અને ભરતી કૌભાંડના છબરડાં સામે લાવીને ઉમેદવારોનો અવાજ બનનારા યુવરાજસિંહને આપ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જે જુસ્સા સાથે યુવરાજસિંહે વિદ્યાર્થીઓ માટે લડત ચલાવી છે તેને જોતા આપ દ્વારા દહેગામની સીટ માટે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પોલીસ પર ગાડી ચઢાવી દેવાના કેસમાં યુવરાજસિંહ જાડેજાને જેલ પણ થઈ છે. સતત યુવાનોના પ્રશ્નોને લઈને લડતા યુવરાજસિંહે હવે દહેગામમાં અન્ય ઉંમરના અને વ્યવસાય તથા રોજગાર સાથે સંકળાયેલા મતદારોનો પણ અવાજ બનવું પડશે.

યુવરાજસિંહે જે રીતે પરીક્ષા કૌભાંડ અને ગોટાળામાં વિદ્યાર્થીઓ તરફથી પુરાવા અને સાહિત્ય રજૂ કરીને પેપર ફોડનારા અને ભરતી કૌભાંડ કરનારાઓની પોલ ખોલી છે ત્યારે જો તેઓ દહેગામના ધારાસભ્ય બનશે તો અહીંની પ્રજાના કેવા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરશે તે માટેની તૈયારીઓ શરુ કરી દીધી હશે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપના જંગમાં આગામી સમયમાં યુવરાજસિંહને વધુ કેટલીક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.ગાંધીનગરમાં આવતી દહેગામ બેઠક પર હાલ ભાજપના બલરાજસિંહ ચૌહાણ છે, એટલે કે જો આ વખતે પણ તેમને ટિકિટ મળશે તો સારી ટક્કર જોવા મળી શકે છે. બલરાજસિંહે વર્ષ 2017માં આ બેઠક પરથી 74,445 મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 10,860 મત મળ્યા હતા.

અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા 86 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે આજે વધુ 22 ઉમેદવારોની જાહેરાત કરતા કુલ આંકડો 100ને પાર થઈ ગયો છે. આપે આજના 22 ઉમેદાવારો સાથે 182 બેઠક સામે 108 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

આમ આદમી પાર્ટી જનતાને પૂછીને જાહેર કરશે સીએમનો ચહેરો

આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે. 29મી ઓક્ટોબરે સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપે મુખ્યમંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.