કિશાનપરા ચોક ખાતે રેશમાં પટેલ, હેમત ખવા સહિતના આપના નેતાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ મામલે ઇડી દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે રાજકોટમાં આપ અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં આપ–કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચતા પોલીસ સાથે તેમનું ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામની અટકાયત કરી હતી. અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં જોરદાર વિરોધ કરાયો હતો. શહેરના કિસાનપરા ચોક ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા.
ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ધારાસભ્ય હેમંત ખવા, રેશમા પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.