અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવેલા શૌચાલયોના કામમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે આમ આદમી પાટી કિસાન સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઝાલાવાડ પંથકમાં 15 ટકા શૌચાલય માત્ર કાગળ પર દર્શાવી રૂા.22 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે.
આમ આદમી પાર્ટી કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવાયુ છે કે, રાજ્યવ્યાપી શૌચાલય કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લો એ.પી.સેન્ટર છે. જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1,22,854 શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તે પૈકી 15 ટકાથી વધારે શૌચાલયો બોગસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રૂા.22 કરોડથી વધારે રકમનું કૌભાંડ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ થયુ હોવાના સત્તાવાર પુરાવા રજુ કર્યા હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ છેકે, શૌચાલય કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા ગામોમાં મુખ્યત્વે લખતર તાલુકાના અણીયાળી, ભાલાળા, વાડલા,કલ્યાણપરા, કારેલા, છારદ,ઢાંકી અને લખતર સહિતના ગામો ઉપરાંત વઢવાણ તાલુકાના દેદાદરાનો સમાવેશ થાય છે.
આપ દ્વારા જેઓના નામે શૌચાલયની રકમ ચાઉ કરી દેવામાં આવી હોય તેવા લાભાર્થીઓને તાકિદે શૌચાલય બનાવી આપવા તેમજ કૌભાંડ આચરનારાઓને ખુલ્લા પાડીે તેમની પાસેથી રકમ વસુલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.