ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી અને પ્રાથમિક સ્કૂલોમાં મધ્યાહન ભોજનનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેમાં જેતપુર તાલુકાનાં ખજૂડી ગુંદાળા ગામના આંગણવાડી કેન્દ્રમાં પીરસાયેલી સુખડીમાં બફાઈ ગયેલી ઇયળો નીકળતા અને એવું બિન આરોગ્યપ્રદ ભોજન બાળકો આરોગી જતાં ચકચાર મચી જવા પામી હતી. આવી બેદરકારી બાદ જવાબદારીની ફેકાફેકી કરીને આલિયાની ટોપી માલિયા પર ઓઢાડીને મીડિયાથી બચવાનો નાકામ પ્રયાશ કરવામાં આવી રહ્યો છે.
જાણવા મળતી માહિતી અનુશાર જેતપુર તાલુકાનાં ખજૂડી ગુંદાળા ગામે આવેલું આંગણવાડી કેન્દ્ર ગામનાજ બે બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. અને પીરસતું દરેક ભોજન તેઓ ઘરેજ તૈયાર કરે છે. આજરોજ અઠવાડિક મેનૂ મુજબ લાપસી નો નાસ્તો આપવાનો થતો હોય બાળકોને તે નાસ્તો આપતા જેમાં ઇયળો ખદબદતી હતી જે સ્વાભાવિક પણે નાના ભૂલકાઓની નજરમાં ના આવે પણ રજનિભાઈ નામના વાલી જ્યારે તેમના બાળકોને તેડવા માટે ગયા ત્યારે ભૂલકાઓને આવી ઇયળવાળી લાપસી આરોગતા જોઈ ચોકી ઉઠ્યા હતા તેમણે તાત્કાલિક સંચાલકોને જાણ કરતાં સંચાલકો લાપસીનો નાશ કરવા રઘવાયા બન્યા હતા. અને વધેલી લાપસી ઢોળી નાખી હતી. પણ રજનિભાઈ નામના વાલીએ પોતાના સંતાનને મળેલા નાસ્તાના ડબ્બાના ફોટોગ્રાફ્સ મીડિયાને મોકલી આપતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
ગામના જાગૃત રહેવાસી એવા સાવજીભાઇ ગુંદાણિયા તેમજ કેતનભાઈ પાનેલિયા મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ કે જ્યારે ગામમાં આ આંગણવાડી બનતી હતી ત્યારે જ ગામ લોકોનો વિરોધ હતો કેમકે આંગણવાડી નદીના પટમાં હતી. અને ચોમાસામાં પાણી આવી જવા થી ભૂલકાઓનું જીવન જોખમમાં મૂકવવાની પૂરી શક્યતાઓ હતી તેમ છતાં આંગણવાડીની મંજૂરી એ જ જગ્યાએ આપવામાં આવી તેમાં કોની શું ભૂમિકા હતી તે પણ તપસનો વિષય બની રહ્યો છે..
આવા બિન આરોગ્યપ્રદ નાસ્તા થી ભૂલકાઓનું સ્વસ્થ્ય જોખમમાં મુકાય તો કોની જવાબદારી ? આના વિષે જ્યારે ગામ લોકો અવઢવમાં હતા ત્યારે જેતપુર જામકંડોરણના સામાજિક અગ્રણી એવા રવિભાઈ આંબલિયાએ આગળ આવીને આવી ગંભીર બાબત અંગે યોગ્ય જગ્યાએ રજૂઆત કરતાં કાર્યવાહીને વેગ મળે તેવી આશા જાગી છે જ્યારે અમુક હિત ધરાવતા તત્વો આવા ગંભીર બનાવ અંગે ઢાક પીછેડો કરવામાં પડ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રોગચાળાની આ સિઝનમાં તંત્ર આ અક્ષમ્ય બેદરકારી વર્તનાર સામે કેવા પગલાં ભરે છે.