એનસીપી, તૃણમુલ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લેવામાં આવ્યો
દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનારી આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી દીધો છે. આ દરરજો મળવા પાછળ ગુજરાતના આમઆદમીએ રંગ રાખ્યો છે અને 6 ટકાથી વધુ વોટશેર ગુજરાત વિધાનસભામાં મળતાજ આપ પાર્ટી રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી છે. હવે કેન્દ્રમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનશે. ગુજરાત વિધાનસભા માં ગુજરાતના આમ આદમીઓ આપને આ દરજ્જો દેવડાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે કારણકે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને કુલ ૧૬ ટકા વોટ શેર મળ્યો હતો.
જ્યારે બીજી તરફ એનસીપી, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લેવામાં આવ્યો છે. જ્યારે ચૂંટણી પંચે જુલાઇ ૨૦૧૯ના રોજ ત્રણ પક્ષોને કારણ દર્શાવો નોટિસ પાઠવી હતી અને તેમને પૂછ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ બાદ તેમને મળેલા રાષ્ટ્રીય પક્ષના દરજ્જાને કેમ પાછો ન લેવો તેનું કારણ જણાવવામાં આવે. આ પક્ષોમાં મમતા બેનરજીના ટીએમસી, શરદ પવારના એનસીપી અને ડાબેરી પક્ષ સીપીઆઇનો સમાવેશ થાય છે. આ પક્ષોના જવાબો બાદ આખરે તેમની પાસેથી રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો લઇ લેવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્હ સાવરણો છે તે આખા ભારતમાં સમાન રહેશે ત્યારે હવે ચુંટણી ચિન્હ બદલી શકાશે નહીં. આપ પાસે વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકો હોઈ શકે છે, તેમની મુસાફરીનો ખર્ચ ઉમેદવારોના ખાતામાંથી લઈ શકાતો નથી. એટલે કે, જો આ સ્ટાર પ્રચારકોમાંથી કોઈ પક્ષના ઉમેદવારના પ્રચાર માટે જશે તો ઉમેદવાર તેનો ખર્ચ ચૂકવશે નહીં. રાષ્ટ્રીય પક્ષોને સામાન્ય ચૂંટણી દરમિયાન દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રચાર અને પ્રસારણનો દરજ્જો મળે છે. જ્યારે રાષ્ટ્રીય પક્ષ જાહેર થાય છે, ત્યારે તેને તેના પક્ષનું મુખ્યાલય બનાવવા માટે સરકારી જમીન મળે છે. માન્ય રાજ્ય અથવા રાષ્ટ્રીય પક્ષનું નામાંકન દાખલ કરવા માટે માત્ર એક પ્રસ્તાવકની જરૂર છે.