તિહાડ જેલના સીસીટીવી ફૂટેજ વાયરલ, ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આપ વિરુદ્ધ બીજા પક્ષોને મુદ્દો મળી ગયો
આમ આદમી પાર્ટીના નેતા જેલમાં ઠાઠ ભોગવી રહ્યા છે તેવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેતાને જેલમાં સુતા સુતા મસાજની સુવિધા પણ મળી રહી હોવાનું આ વીડિયોમાં દેખાઈ રહ્યું હોય, આપ વિરુદ્ધ આ મુદ્દાએ જોર પકડ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને મુદ્દે તપાસ એજન્સી ઈડીએ ફરિયાદ કરી હતી કે તેમને જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે.
હેડ, ફૂટ અને બેક મસાજ જેવી સુવિધાઓની સાથે અન્ય સગવડો આપવામાં આવી રહી છે.હવે આ દાવા સંબંધિત નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જૈન જેલની અંદર મસાજ સુવિધાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને તિહાડ જેલનો ગણાવાઈ રહ્યો છે. વીડિયો અનુસાર આ ફૂટેજ 13 સપ્ટેમ્બર બપોરે 1:11 વાગ્યાના છે. ફૂટેજમાં સેલ નંબર 1 એ બ્લોક જોવા મળી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર જૈન આ બ્લોકમાં છે. આ ફૂટેજમાં જૈન પલંગ પર આરામ કરી રહ્યા છે.
તેમના હાથમાં અમુક પેપર પણ છે જેને તે સતત જોઈ રહ્યા છે. બીજી તરફ મસાજ કરી રહેલો શખ્સ સતત તેમના પગ દબાવી રહ્યો છે. આ સિવાય આ સેલમાં અન્ય કેટલીક સુવિધાઓના સંકેત પણ જોવા મળી રહ્યા છે. જેમ કે એક તકિયો જૈનના માથા પાછળ મૂકેલો છે જ્યારે બીજો તેમના હાથ બાજુ મૂકેલો છે. આ સિવાય એક ખુરશી પણ છે. સેલમાં ડસ્ટબિનથી લઈને પેક્ડ પાણીની બોટલો પણ જોવા મળી રહી છે. જૈનની બાજુમાં જે તકિયો મૂકેલો છે તેની ઉપર એક રિમોટ પણ જોવા મળી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલે તપાસ કરી રહેલી ઈડીએ કોર્ટમાં ફરિયાદ કરતા સીસીટીવી ફૂટેજ સોંપ્યા હતા. જે બાદ આ મામલે ખૂબ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ હતી.