2022ની વિધાનસભાની ચૂંટણીઓ તમામ પક્ષોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લઇ આમ આદમી પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાને વખોડી ભાજપની આડેહાથ લીધા હતા, સાથે જ તેઓએ આમ આદમી પાર્ટીને ભાદરવાના ભીંડા સમાન ગણાવી હતી.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય સળવળાટ શરૂ થઇ ગયો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હિંમતનગરમાં એક દિવસીય મુલાકાત લઇ આપ નેતાઓ પર થયેલા હુમલા મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. સાથોસાથ આમ આદમી પાર્ટીની પણ ચૂંટણી પહેલા ગુજરાતને જાણવાની શિખામણ આપી આમ આદમી પાર્ટીને ભાદરવાના ભીંડા સમાન ગણાવી છે.

જોકે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા ભાજપના શાસન સામે અડીખમ લડતાં રહેવાનું તેમજ ગ્રાસરૂટ લેવલનું સંપૂર્ણ મેનેજમેન્ટ હોવાની વાત કરી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી લડતા પૂર્વે ગુજરાતની જાણવું જરૂરી છે તેમ જણાવી આમ આદમીના કાર્યકર્તાઓને અહંકાર ન કરવા જણાવી આગામી સમય માટે મજબૂત લડાઈ લડવા જણાવ્યું હતું.

જોકે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસને ત્રીજા પક્ષ તરીકે જોઇ રહી છે જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ડિપોઝીટ પણ ડૂલ થવાની વાત કરતું નજરે પડે છે ત્યારે 2022ની ચૂંટણી સમગ્ર ગુજરાત માટે રસાકસી પૂર્ણ યોજાશે તે નક્કી છે. પરંતુ હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પોતાને સત્તાનો સરતાજ માનતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.