બોલિવૂડના પ્રખ્યાત ગાયક કેકેનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. ૩૧ મેંના રોજ મંગળવારે, 53 વર્ષની ઉંમરે, કેકેએ તેના ચાહકોને રડાવ્યા અને દુનિયાને અલવિદા કહ્યું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 23 ઓગસ્ટ 1968ના રોજ જન્મેલા કેકેનું મંગળવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પડી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તેમને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું. કેકે હિન્દીની સાથે સાથે અન્ય ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. કેકેએ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાની ફિલ્મોમાં પણ તેમના ગાયન વડે ગીતોને શણગાર્યા હતા. દિલ્હીમાં જન્મેલા કેકેનું કાર્યસ્થળ મુંબઈ હતું.
કેકે બોલીવુડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા તે ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના ‘યારો’ ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટીકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે હવે બોલીવૂડમાં શોકની લહેર છે.
PM મોદીએ કહ્યું KKના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક અવસાનથી હું દુખી છું. તેમના ગીતોએ લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શ્રૃખલાને દર્શાવી છે. તેમના ગીતો તમામ વયના લોકો સાથે જોડાયેલા છે. આપણે તેમના ગીતો મારફતે હંમેશા તેમને યાદ રાખશું. PM મોદીએ KKના પરિવાર અને પ્રશંસકો પ્રતે સંવેદના વ્યક્ત કરી છે.
સંગીતપ્રેમીઓના દિલો પર રાજ કરતો અવાજ શાંત થઈ ગયો
કેકેના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો ‘યારોં’ ખૂબ જ લોકપ્રિય હતું. સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત ‘તડપ-તડપ કે ઈસ દિલ સે’, બચના એ હસીનોનું ‘ખુદા જાને’, કાઈટ્સનું ‘ઝિંદગી દો પલ કી’, જન્નત સાનું ‘ઝરા’. , ગેંગસ્ટરનું ગીત ‘તુ હી મેરી શબ હૈ’, શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત ‘આંખો મેં તેરી અજબ સી’ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું.
ફિલ્મ બજરંગી ભાઈજાનનું ગીત ‘તુ જો મિલા’, ઈકબાલનું ‘આશાયે’ અને અજબ પ્રેમ કી ગઝબ કહાનીનું ‘મૈં તેરી ધડકન’ ગીતે પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. કેકેએ હિન્દી ઉપરાંત બંગાળી અને અન્ય ઘણી ભાષાઓમાં ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો હતો. બે દાયકા કરતાં પણ વધુ સમયથી સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કરતો અવાજ હવે શાંત થઈ ગયો છે.