અછતની વિકટ પરિસ્થિતિમાં રોજીંદા લાખો લીટર પાણીનો વેડફાટ: ઉભો પાક પાણીમાં ડુબી જતા ખેડુતોને આર્થિક ફટકો
ગ્રામજનોની સિંચાઇ વિભાગને અનેક રજુઆતો, કોઇ પરિણામ નહીં: હવે કાર્યવાહી નહિ થાય તો સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી
પડધરી તાલુકાનો આજી ડેમ-૩ માં સૌની યોજના હેઠળ વધુ પાણી છોડવામાં આવતા ડેમ છલકાઇ જવા પામ્યો હતો જેના પગલે ખાખડાબેલા ગામનાં ખેતરો પાણીમાં ડુબી જવા પામ્યા છે. જેના કારણે ખેડુતોનાં પાક મુરજાઇ જતા આર્થિક ફટકો પડયો છે. આ મામલે ગ્રામજનોએ સિંચાઇ વિભાગને અનેક રજુઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઇ પરિણામ મળ્યું ન હોવાથી અંતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.
પડધરી તાલુકામાં આવેલ આજી ડેમ-૩ ને ભરવા માટે સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુ પાણી છોડાઇ જતા આ ડેમ છલકાઇ જવા પામ્યો છે. આ ડેમમાંથી જામનગર ઉંડ ડેમ તરફ પાણી છોડવામાં ન આવતા રોજીંદા પાણીની આવકના ફલોથી ડેમના પાણી ખોખડાબેલા ગામની સીમમાં ફરી વળ્યા છે. આ ગામની અંદાજીત ૭૦૦ વિઘાથી વધુ જમીન પર ઉભેલા પાક પર ડેમના પાણી ફરી વળતા ખેતરોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા છે. જેના કારણે ખેડુતોની મહામહેનતે ઉભો થયેલો પાક મુરજાઇ રહ્યો છે.
ડેમનાં પાણી છલકાતા ખેડુતોને આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. આ મામલે ખાખડાબેલા ગામના ખેડુતોએ અનેક વાર સિંચાઇ વિભાગને રજુઆતો કરી છે. પરંતુ તેમ છતાં સિંચાઇ વિભાગે કોઇ કાર્યવાહી કરી નથી.અંતે ગ્રામજનોએ વિકટ પરિસ્થિતિમાં તંત્રની મદદ ન મળતા સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.