સરકારનો આદેશ છતાં આરટીઓમાં આધારકાર્ડને માન્ય પુરાવો મનાતો નથી

રાજ્યની આરટીઓ કચેરીમાં આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણાવામાં આવતો ન હોવાને લઈ ગુરૂવારે અમદાવાદ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ઓનર્સ એસો. દ્વારા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આધારને પણ માન્ય પુરાવા તરીકે ગણવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. તેમની માંગણીને અનુસંધાને વાહન વ્યવહાર કમિશનર દ્વારા ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવા ખાતરી અપાઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬માં આધારને માન્ય પુરાવા તરીકે ગણવાનો ગેઝેટ બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ હજુ સુધી ગુજરાતમાં આરટીઓ કચેરીમાં આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણવા અંગે સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો ન હતો. જેના પગલે આરટીઓ કચેરીમાં કામકાજ માટે આવતા લોકો પાસેી આધાર કાર્ડને માન્ય પુરાવા તરીકે ગણવામાં આવતો ન હોઈ તેમને ધક્કા ખાવાનો વારો આવતો હતો. આ મુદ્દે અમદાવાદ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ઓનર્સ એસો.ના અગ્રેણી હરિશ પટેલે ગુરૂવારે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરીને આરટીઓ કચેરીમાં પણ આધારને માન્ય પુરાવા તરીકે મંજુરી આપવા માંગ કરાઇ હતી. આ રજૂઆતના પગલે વાહન વ્યવહાર કમિશનરે આગામી દિવસોમાં સત્તાવાર નિર્ણય કરવા ખાતરી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.