- ડિજિટલ ઇન્ડિયાની ડંફાશો વચ્ચે
- આધાર કાર્ડની 1પ કિટ શરૂ કરાય પણ સવારથી ઓટીપીના ધાંધીયાના કારણે કોઇ કામગીરી ન થઇ શકી: જન્મ-મરણના દાખલાની કામગીરી અચોકકસ મુદત માટે બંધ
રાજય અને કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયાની ડંફાશો હાંકી રહી છે. બીજી તરફ સર્વરના ધાંધીયાના કારણે કારણે કોર્પોરેશનમાં લોકોને સીધી અસર કરતી બે મુખ્ય કામગીરી આધાર કાર્ડ અને જન્મ મરણની કામગીરી અટકી જવા પામી છે. આજથી આધાર કાર્ડની કામગીરી માટે 1પ કીટ શરુ કરવામાં આવતા રાહત મળશે તેવા એંધાણ જણાતા હતા. પરંતુ સવારથી સર્વરના કારણે ઓટીપી આવતો ન હોવાથી કોઇ જ કામગીરી થઇ શકતી ન હતી. દરમિયાન રાજય સરકારના ઇ-ઓળખના સર્વરમાં છેલ્લા એકાદ પખવાડીયાથી ધાંધીયા હોવાના કારણે આજથી કોર્પોરેશનમાં અનિશ્ર્ચીત મુદત સુધી જન્મ -મરણના દાખલા કાઢી આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સિવિક સેન્ટરો પર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
આધાર કાર્ડની કામગીરી સંભાળતા 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી પર વ્યાપક અસર પડી છે. કેન્દ્રો પર લાંબી લાંબી લાઇનો લાગે છે. દરમિયાન ગઇકાલે કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આજથી ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવશે 1પ કીટ કાર્યરત થઇ જશે. દરમિયાન આજે સવારથી આધારનું સર્વર લોચા કરી રહ્યું છે. નવા આધાર કાર્ડ કઢાવવા કે સુધારા વધારા કરવા માટે ઓટીપી પ્રાપ્ત થતાં ન હોવાના કારણે આજે સવારથી આધાર કાર્ડની કોઇ કામગીરી થઇ શકી ન હતી. અધિકારીઓ કર્મચારીઓ અને ઓપરેટરો સવારથી ધંધે લાગી ગયા હતા. બપોર સુધી મથામણ કરવા છતાં સર્વરનો પ્રશ્ર્ન હલ થઇ શકયો ન હતો.રાજય સરકારના જન્મ – મરણની કામગીરી કરતું ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે આજે સવારથી કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ઉપરાંત તમામ સિવિક સેન્ટરો પર એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે જન્મ મરણ વિભાગની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આગળની સુચના મળ્યા બાદ કામગીરી શરુ કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા અચોકકસ મુદત માટે બર્થ કે ડેથ સર્ટિફીકેટ કાઢી આપવાની કામગીરી આજથી બંધ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એકાદ પખવાડીયાથી ઇ-ઓળખ પોર્ટલમાં ધાંધીયા હોવાના કારણે સમસ્યા ઉભી થઇ છે. રાજય સરકારમાં આ અંગે ફરીયાદ પણ કરવામાં આવી છે પરંતુ માત્ર રાજકોટ જ નહિ રાજયભરમાં આ ઇશ્યુ છે જે કયારે હલ થાય તે હજી કહી શકાય તેમ નથી.આધાર કાર્ડની કામગીરી ગઇકાલ સુધી માત્ર કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ચાલતી હતી. દરમિયાન આજથી ત્રણેય ઝોનમાં 1પ કીટ શરુ કરવામાં આવી છે. તેવી જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અરજદારોના મોબાઇલમાં ઓટીપી આવતો ન હોવાના કારણે આજે આધાર કાર્ડને લગતી કામગીરી પણ બંધ રહી છે.રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્રો કાર્યરત થઇ ગયા છે. સેન્ટર ઝોનમાં ડો. આંબેડકર ભવન, ગ્રાઉન્ડ ફલોર, ઢેબર રોડ, ઇસ્ટ ઝોનમાં ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ફાયર સ્ટેશન પાસે, ભાવનગર રોડ અને વેસ્ટ ઝોનમાં હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, રિલાયન્સ મોલ પાસે 1પ0 ફુટ રીંગ રોડ પર કાર્યરત છે.
અધિકારીઓ પાસે જવાબ નથી, લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર: અતુલ રાજાણી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે, આજે સવારથી સમગ્ર ગુજરાતમાં ઓપરેટરો દ્વારા લોગીન કર્યા બાદ ઓપરેટરોને ઓટીપી ન મળતા સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અંગેની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે.
અગાઉ મહાનગરપાલિકામાં ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા લાંબી લાઈનો લાગી હતી પરંતુ ઓપરેટરો અંગે કેન્દ્ર સરકાર દ્વારા ક્ધફર્મેશન બાદ વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમા કામગીરી શરૂ કરાતાની સાથે જ આજે ઠપ થઈ ગઈ. ગઈકાલે રાજ્યમાં જન્મ મરણ ની નોંધ કરાવવા અને જન્મમરણ અંગે સુધારા વધારા કરાવવા આવેલા નાગરિકોને સમગ્ર ગુજરાતમાં કામગીરી ખોરવાતા હાલાકી ભોગવી પડી હતી એ જ પ્રકારે આજે આધાર કાર્ડ માં પણ સમગ્ર ગુજરાતમાં તંત્રના વાકે લોકોને હાલ ક્યારે કામગીરી શરૂ થશે એ કોઈ ઉચ્ચ અધિકારીઓ પાસે જવાબ ન હોવાને બદલે લગ્ન ગાળાને સિઝન અને લોકોને કામ ધંધા છોડીને કલાકો સુધી હાલ લાઈનમાં ઊભું રહેવુંપડ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ અંગે નિયમો કડક બનાવાઈ રહ્યા છે એને અભિનંદન સાથે આવકારીએ છીએ પરંતુ આધારકાર્ડ ની કામગીરી કરવામાં અભિમન્યુના સાત કોઠા વિજવા પડે તો પણ આધાર કાર્ડની કામગીરી પૂર્ણ થતી નથી જેને પગલે આમ નાગરિકો અને જેને કોઈ સરકારી કચેરીમાં ઓળખાણ ન હોય તેવા લોકોને આધાર કાર્ડ મેળવવા થતી પરેશાનીમાં સરકાર જવાબદાર છે. મતદાર કાર્ડમાં જો ડોર ટુ ડોર બીએલઓ જતા હોય અને તમામ પ્રકારની કામગીરી મતદાર કાર્ડમાં થતી હોય તો આધાર કાર્ડમાં ઓપરેટરો પણ ડોલ ટુ ડોર જાય સેવાઓ આપવી જોઈએ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આધાર કાર્ડમાં લોકોને થતી હાલાકી નિવારવા લેખિત રજૂઆત ઈનવર્ડ નંબર 5413 તારીખ 8/11/24 ફી કરવામાં આવેલ છે છતાં વોર્ડ ઓફિસે કે અન્ય આધાર કેન્દ્રો વધુ શરૂ કરવામાં આવેલ નથી જે પગલે રાજકોટ શહેર અને જિલ્લાની વસ્તીને ધ્યાનમાં લઇ જે આધાર કાર્ડ કેન્દ્રોની કીટો છે. તે અપૂરતી હોવાને પગલે લોકોને કલાકો સુધી તપ કરવું પડે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકા ના યોગ્ય સંકલન ના અભાવે તંત્રના પાપે લોકોને ભોગવવું પડે છે