- વિકાસ સપ્તાહ અંતર્ગત યુવાઓની આંતરિક શક્તિ ખીલે એવા કાર્યક્રમોનું આયોજન
- વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
વેરાવળ: વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજયના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 07 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-2001 થી વર્ષ-2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-2024ની તા.07 થી તા. 15 દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કરાયું છે.
જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે જિલ્લા યુવા વિકાસ કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં રંગારંગસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ યુવાઓનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, ટેક્નોલોજી એ આજના યુવાઓ માટે આશીર્વાદ છે. ટેક્નોલોજીના ઉપયોગ થકી સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યુ છે ત્યારે હકારાત્મક ઉપયોગ થકી જીવનમાં આગળ વધી શકાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીથી સમગ્ર વિકાસની પરિભાષા બદલાઈ રહી છે ત્યારે આ ક્ષેત્રમાં આગળ વધી વિદ્યાર્થીઓ સફળતા મેળવે એવી શુભકામનાઓ પાઠવી હતી.