‘ટિક-ટોક’ના કારણે એક પરિવાર વેર-વિખેર થાય તે પહેલા ૧૮૧ વહારે આવતા મામલો થાળે પડ્યો
પરિણીતાએ મહિલા હેલ્પલાઈનની મદદ માગી મામલો પોલીસ મકે પહોંચતા પરિવારનો માળો વિખાતા અટક્યો
દેશભરમાં સોશ્યલ મીડિયામાં હાલ યુવા વર્ગમાં ધુમ મચાવતી ‘ટિક-ટોક’ એપ્લીકેશનના કારણે આજની યુવા પેઢી ‘ટિક-ટોક’ પાછળ પાગલ બની છે. જેના કારણે યુવાનોને વણ નોતરી આફતનો સામનો કરવો પડતો હોય છે. ગોંડલના વિજયનગર વિસ્તારના એક યુવાને ‘ટિક-ટોક’માં ઘેલો બની ગયા બાદ કોઈ અપરિણીત યુવતીના પ્રેમમાં પાગલ બનતા પત્ની અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે અલગ રહેવાનું પણ નક્કી કરી નાખ્યું હતું. પરિણીતાની વ્હારે ૧૮૧ મહિલા હેલ્પલાઈન આવતા મામલો થાળે પડયો હતો અને પોલીસ મકે પ્રેમીકા અને યુવક વચ્ચે જરૂરી સમાધાન કરાવી સંમતીપત્ર લખાવ્યો હતો.
સોશ્યલ મીડિયામાં હાલ ‘ટિક-ટોક’ વિડીયો બનાવી વાયરલ કરવાની યુવા પેઢીમાં મોસમ ખીલી છે. ત્યારે યુવક અને યુવતીઓ પોત-પોતાના વિડીયો પોતાની એક્ટિંગો કરી અપલોડ કરતા હોય છે. જ્યારે સામેવાળા અન્ય આ વીડિયો જોનાર તેની સાથે મેસેજ કરી ફોલોઅર્સ બન્યા બાદ એકબીજાના વીડિયો અને કોમેન્ટસની આપ-લે કરતા હોય છે. આ એપ્લીકેશન ‘ટિક-ટોક’ના માધ્યમી ગોંડલના વિજયનગર વિસ્તારમાં રહેતો મેહુલ પરમાર (નામ બદલાવેલ છે) નામનો પરિણીત યુવાન ‘ટિક-ટોક’ એપ્લીકેશન વાપરવાનું શરૂ કર્યું અને યુવાનને ઘેલો કરી નાખ્યો હતો. ‘ટિક-ટોક’ના કારણે આ પરિણીત યુવાન કચ્છની અપરિણીત યુવતીના પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચે મેસેજ અને કોમેન્ટસની આપ-લે શરૂ થઈ સમય જતાં છ મહિનામાં જ પરિણીત યુવાન અને યુવતી ગળાડુબ પ્રેમમાં ‘ટિક-ટોક’ના કારણે પડ્યા હતા. અપરિણીત યુવતી કચ્છી ગોંડલ ઘેલી બની યુવાનને મળવા આવતી હતી.
‘ટિક-ટોક’ના કારણે ઘેલા બનેલા આ યુવાને પ્રેમીકા માટે પોતાની બે વર્ષની માસુમ પુત્રી અને ચાર વર્ષના લગ્ન જીવનનો વિચાર કર્યા વગર પત્ની અને પુત્રીને તરછોડી દઈ પ્રેમીકા સો અલગ રહેવાનું નક્કી કરી નાખ્યું હતું. સંયુક્ત પરિવારમાં રહેતા આ દંપતિને ‘ટિક-ટોક’નો કડવો અનુભવ થયો હતો. જેના કારણે એક સુખી સંપન્ન દંપતિના લગ્ન જીવનમાં ભંગાણ સર્જાયું હતું અને વાત છુટાછેડા સુધી પહોંચી હતી. ‘ટિક-ટોક’માં ઓતપોત રહેતા યુવાનને સમજાવવા તેની પત્ની અલ્પાબેન (નામ બદલાવેલ છે) અને માતા-પિતાએ અનેક પ્રયાસો કર્યા પરંતુ ‘ટિક-ટોક’ અને યુવતીના પ્રેમમાં ઘેલો બનેલો મેહુલ પરમાર પોતે ટસનો મસ ન થયો નાછુટકે પરિણીતાને અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ની મદદ લેવાની જરૂર પડી. પરિણીતાએ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માગતા ગોંડલ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સીલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ હેતલ પરમાર અને પાયલોટ મહેન્દ્રભાઈ સહિતનો કાફલો પરિણીતાની વહારે દોડી ગયા હતા.
૧૮૧ની ટીમના કાઉન્સીલરે અને મહિલા કોન્સ્ટેબલે ‘ટિક-ટોક’ ઘેલા મેહુલ પરમારને સમજાવવા આગ પ્રયાસો કર્યા પરંતુ તે સમજવા રાજી ન હતો અને કચ્છની અપરિણીત યુવતી સાથેના પ્રેમ સંબંધ જાળવી રાખવા પરિવારને સ્પષ્ટ જણાવી દીધું હતું. ત્યારબાદ ૧૮૧ ટીમ આ દંપતિને લઈ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ કાયદો અને કાયદાની ભાષા પોલીસ સ્ટેશનમાં યુવાનને પોલીસની ભાષામાં સમજાવ્યા બાદ તેની શાન ઠેકાણે આવી હતી અને ‘ટિક-ટોક’નું ભુત ઉતરી ગયું હતું. પરિણીત યુવક અને કચ્છની અપરિણીત યુવતીના પોલીસે નિવેદન નોંધી ફરી આવા સંજોગો ઉભા ન થાય તેના માટે તકેદારી રાખવા સ્પષ્ટ જણાવી એક પરિવારનો માળો વેર વિખેરતાં અટકાવ્યો હતો.