ગત રાત્રીએ થયેલી માથાકૂટ બાદ ચાર શખ્સોએ પાનના ધંધાર્થીનું ઢીમ ઢાળી દીધું
રંગીલુ રાજકોટ શહેર ફરી એક વખત રક્તરંજિત થયું છે. ત્રણ દિવસમાં ત્રણ હત્યાથી શહેરભરમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. આજરોજ દૂધની ડેરી પાસે અમન નગરમાં પાનની કેબિન ધરાવતા યુવાનને ચાર શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગઇ કાલે ગાંજા પીવા બાબતે ટપારતા ગઇ કાલે રાત્રીના જ સવારે આવશું તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી સવારે હત્યાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના દૂધની ડેરી પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક અમન નગર શેરી –2માં રહેતા વિજયભાઈ કેશુભાઈ બાબરીયા નામના 35 વર્ષીય યુવાનને તેની જ વેલનાથ પાનની કેબિન પાસે ચાર શખ્સોએ સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ અંગે મળતી વધુ વિગત મુજબ ગઇ કાલે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ વિજયભાઈ બાબરીયા પોતાની કેબિને હતા ત્યારે ચાર શખ્સોને ત્યાં ગાંજો પીવા બાબતે ટોક્યા હતા. જ્યાં બોલાચાલી કરી ચારેય શખ્સો ફરી રાત્રીના માથાકૂટ કરવા આવ્યા હતા અને ગાળો ભાંડી યુવાનને કાલ સવારે આવશું તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી નાસી ગયા હતા.
ત્યાર બાદ ચારેય અજાણ્યા શખ્સો આજરોજ બપોરે બારેક વાગ્યે છરી અને ધાતક હથિયાર સાથે ધસી આવ્યા હતા અને વિજયભાઈ બાબરીયા પર સરાજાહેર તૂટી પડ્યા હતા. તે દરમિયાન ત્યાં નજીકમાં કામ કરતા વિજયભાઈને ભાઈ વિનોદે તેમને છોડાવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝનકાત સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવથી ચકચાર મચી ગયો છે. ધમલપર પાસે દારૂના નશામા ધૂત મિત્રએ જ પોતાના મિત્ર ભરત ચના એંધાણીને માર મારતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં કુવાડવા ગામે પ્રેમ પ્રકરણ મામલે કિશન બાબુભાઈ પીપળીયા નામના યુવકને માર માર્યો હતો. જેને સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.