આજના સમયમાં જ્યાં કરિયાણાંની દુકાન સુધી જઇને પાછાં આવવામાં ૫૦૦ રુપિયા ક્યાં વપરાય જાય છે. તેની ખબર નથી રહેતી. એવામાં શું તમે એવી કલ્પના પણ કરી શકો કે એક માણસે એક પૈસો પણ વાપર્યા વગર આખા દેશનો પ્રવાસ ખેડ્યો હોય !!!
હા, તમે સાવ સાચું વાંચ્યું છે, કોઇ પણ જાતનો ખર્ચો કર્યા વગર ભારત આખાનો પ્રવાસ. જો પહેલાના સમયની વાત હોત તો આ હજી લોકો માની પણ જાય.
પણ આજની આવી મોંઘવારીના સમયમાં આખો દેશ ફરવાનું, એ પણ વગર પૈસા ખર્ચે ??
પરંતુ કહેવાય છે ને કે જેમના ઇરાદાઓ મજબુત હોય તેમના માટે બધાં કામ શક્ય છે. તથા જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ જતી હોય છે તે પ્રમાણે અંશ મિશ્ર નામના યુવાને આ કાર્ય કરી બતાવ્યું છે. અંશ મિશ્રએ આશરે ૨૧૯ દિવસોમાં ભારતનાું ૨૯ રાજ્યો અને ૪ કેન્દ્રશાશિત પ્રદેશોનો પ્રવાસ કર્યો છે એ પણ વગર પૈસાએ….
અંશે અલ્હાબાદની ટેક્નોલોજી વિશ્વ વિદ્યાલયથી એમસીએ અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આપણામાં એક એવી માન્યતા ઘર કરી ગઇ છે કે, પૈસા વગર કંઇ નથી. થઇ શકતું, અને પૈસા હોય તો બધુ જ થઇ શકે છે. બસ આ જ વાતને ખોટી સાબિત કરવા માટે અંશે વગર પૈસાએ દેશનો પ્રવાસ કરવાનું વિચાર્યુ હતું. અંશે પોતાનાં આ પ્રવાસની શરુઆત આ વર્ષે ૩ ફેબ્રુઆરીના રોજ કરી હતી.
આ પ્રવાસ દરમિયાન અંશને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ તેણે હાર ન માનતા. પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. અંશે આ પ્રવાસમાં હાઇ-વે પર જતા ટ્રકવાળા પાસે લિફ્ટ માંગતો. જેમાં કોઇ સરળતાથી હા કહેતું તો કેટલાંક ઘસીને ના પાડી દેતા. અંશના મતે એનો સૌથી ખરાબ અનુભવ ગુજરાતના સૂરતનો રહ્યો હતો. જ્યાં તેને છેક ૯ કલાક રાહ જોયા પછી એક ટ્રકવાળાએ લિફ્ટ આપી. અંશે પોતાના પ્રવાસ દરમિયાન કુલ ૧૮,૦૦૦ ટ્રક્સમાં લિફ્ટ લીધી હતી અને તેમની સાથે જ જમ્યો હતો.
આ પ્રવાસ દરમિયાન અંશને ત્રણેક વખત તો અછબડાં પણ થયાં હતાં છતાં તેણે હિમ્મત ન હોતી હારી. ગુજરાતનો અનુભવ અંશ માટે ઘણો કડવો સાબિત થયો હતો, કેમ કે ગુજરાતમાં તેને ક્યાંય મહેમાન-નવાજી જોવા મળી ન હતી. જેને લીધે અંશને ૨૬ કલાક સુધી ભૂખ્યાં રહેવાનો વારો આવ્યો હતો. હા દરેક રાજ્યની વાત એકસરખી ન હતી રહી.
અંશે તેના આ પ્રવાસ દરમિયાન ભારતનું અદ્ભૂત કલ્ચર અને સૌર્દ્યનો અનુભવ કર્યો હતો. માઓવાદીઓના હુમલા જ્યાં સામાન્ય વાત છે એવાં બસ્તર માટે અંશે જણાવ્યું હતું કે, ‘બસ્તર એક ખૂબ જ સુંદર જગ્યા છે અને ત્યાં ઘણાં બધાં પ્રવાસી સ્થળો પણ છે, બસ માત્ર માઓવાદીઓને કારણે લોકો ત્યાં જવાથી ડરતા હોય છે. ’ પરંતુ મને ત્યાં કોઇ મુશ્કેલી થઇ ન હતી. અંશે તેના આ પ્રવાસ દરમિયાન જે અનુભવ કર્યા છે તેની તો કોઇ કિંમત પણ ન લગાવી શકે. અંશના કહેવા મુજબ એને જે અનુભવ કર્યો છે. એને કોઇ ખરીદી ન શકે, કે પોતે વેચી પણ ન શકે. આ એક ન ભૂલી શકાય તેવો યાદગાર અનુભવ બનીને રહેશે.