રિક્ષા ચાલકની સર્તકતાથી પરિવારને પુત્ર પાછો મળ્યો
યુવાનનું પરિવારજનો સાથે મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
જુનાગઢનાં રિક્ષા ચાલકની સતર્કતા તથા જુનાગઢ પોલીસની સેવા નીતરતી ફરજના કારણે હળવદ પંથકમાંથી ઘરેથી ભાગી નીકળી ભવનાથ ખાતે સાધુ બનવા પહોંચેલ એક યુવકનું પરિવાર સાથે સુખદ મિલન થતા ભાવુક દ્રશ્યો પોલીસ સ્ટેશન ખાતે સર્જાયા હતા.
શહેરમાં મજેવડી રિક્ષા સ્ટેન્ડ ખાતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક આરીફ ભાઈ એક ૧૮ વર્ષની ઉંમરના છોકરા સાથે મજેવડી દરવાજા પોલીસ ચોકી ખાતે પહોંચી, જણાવેલ કે, આ છોકરો મારી રિક્ષામાં ભવનાથ ભાડું લઈને આવેલ અને ભવનાથ પહોંચતા, પોતાને પોતાનો મોબાઈલ વહેંચવાની વાત કરેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, અહી પોલોસ ચોકી ખાતે લાવયો છું.
રિક્ષા ચાલકે જણાવેલ હકીકત બાદ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝનના ડીવાયએસપી એમ.ડી.બારીયા, પીએસઆઇ કૃણાલ પટેલ, એએસઆઈ ધાનીબેન, પો.કો. વિપુલભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે હળવદ તાલુકાના માથક ગામનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ દિગપાલસિંહ જયપાલસિંહ ઝાલા હોવાનું અને ધોરણ ૧૨ મા અભ્યાસ કરતો હોવાનું જણાવેલ હતું.
બાદમાં પોલીસે યુવક સાથે પરિવાર જેવું વર્તન કરી વધુ પૂછપરછ કરતા, યુવકને પોલીસ પર વિશ્વાસ બેસયો હતો અને પોતાને સાધુ થવાની ધૂન લાગેલ હોઈ, પોતે ભવનાથમાં સાધુ થવા આવેલ હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બાદમાં જુનાગઢ પોલીસ દ્વારા યુવક પાસેના મોબાઈલ નંબર અને તેના પિતાના મોબાઈલ નંબર આધારે તેના પિતા જયપાલસિંહ ઝાલા સાથે સંપર્ક કરવામાં આવતા, યુવકના પિતાએ પોતે ખેતી કરે છે અને પોતાનો છોકરો સવારથી ગુમ હોઈ, પોતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવેલ હોવાની વિગતો જણાવેલ હતી.
એ દરમિયાન યુવક દિગપાલસિંહને પોલીસ દ્વારા જમાડી, જરૂરી દવા લેવડાવતા, છોકરો સ્વસ્થ થયો હતો. સાથોસાથ શહેરના ક્ષત્રિય સમાજના આગેવાનો જીતેન્દ્રસિંહ રાયજાદા, શૈલેન્દ્રસિંહ, સહિતનાને આ બાબતે જાણ કરાતા તેઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી ગયેલ હતા. અને પરિવારજનો પણ પોતાના ગામ માથક થી નીકળી, તાબડતોબ જૂનાગઢ આવેલ અને પોતાનું ગુમ થયેલ સંતાન મળી આવતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા.
પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા રિક્ષાચાલક આરીફભાઈ નો આભાર માનેલ હતો. જૂનાગઢના આરીફભાઈ રીક્ષા વાળા દ્વારા પોતાને છોકરાની વર્તુણુંક શંકાસ્પદ લાગતા પોલીસ સમક્ષ લાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલક આરીફભાઈની સમય સુચકતા તથા સેવાકીય ભાવના દાખવવા બદલ છોકરાના પરિવારજનો તથા જીતેન્દ્રસિંહ સોલંકી, શૈલેન્દ્રસિંહ, સહિતના સમાજના આગેવાનોની હાજરીમાં ખાસ સન્માન કરવામાં આવ્યું.