યુવાન સ્કૂટર સાથે દૂર સુધી ફંગોળાયો: એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ
ગુજરાતભરમાં આજે અકસ્માતના કારણે બાર જેટલા લોકોના મોત થતાં કાળો દિવસ બની રહ્યો છે. જેમાં અમદાવાદમાં એક સાથે નવ લોકોના મોત થયા છે તો લીંબડી નજીક બે લોકોના અને રાજકોટમાં વહેલી સવારે એક યુવાનનું મોત થયું છે. જેમાં રાજકોટમાં વહેલી સવારે ચા પીવા નીકળેલા શ્રમિક યુવાનના સ્કુટરને ભૂતખાના ચોક પાસે એસટી બસના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવાનની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નીપજ્યું હતું. ચાર મહિના પૂર્વે જ મજૂરી કામ અર્થે આવેલા એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આવેલા કરણપરા વિસ્તારમાં રહેતા બિપ્લવ રણજીતભાઈ દત્ત નામનો 21 વર્ષનો યુવાન સવારના પાંચેક વાગ્યાના અરસામાં સ્કૂટર લઈ ભૂતખાના ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલી એસટી બસના ચાલકે બિપ્લવ દતના સ્કૂટરને ઠોકરે ચડાવતા યુવાન સ્કૂટર સાથે ફૂટબોલની માફક ફંગોળાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક બિપ્લવ દત મૂળ બંગાળનો વતની હતો. અને છેલ્લા ચાર મહિનાથી રાજકોટમાં રહી સોની કામ કરતો હતો. અને તે એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને વહેલી સવારે શેઠનું સ્કૂટર લઈ ચા પીવા જતો હતો ત્યારે પોતાના ભૂતખાના ચોકમાં પહોંચતા જ એસટી બસ કાળ બની ત્રાટકી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.