- બનાવ હત્યામાં પલટાતા યુવકનું મોત થતાં પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર : મામલો થાળે પાડવા મોડી રાત્રે ડીસીપી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા
બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકીવાસમાં રહેતા યુવાન પર આડા સબંધની શંકા રાખી તેને માર મારતા આ બાબતે લાગી આવતા યુવાને છ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. આ મામલે યુવાનના પિતાની ફરિયાદ પરથી જે તે સમયે પોલીસે પરિણીતાના પતિ અને તેના સંબંધી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.દરમિયાન સારવારમાં રહેલા યુવાનનું ગઇકાલે હોસ્પિટલ બીછાને મોત થયું હતું.જેના પગલે યુવાનના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકત્ર થયા હતાં.એટલું જ નહીં તેઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો તંગ બની ગયો હતો.જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં.બાદમાં યોગ્ય તપાસની ખાતરી મળતા મૃતદેહ સ્વીકાર્યો હતો.આ મામલે પોલીસે આરોપીઓ સામે યુવાનને મરવા મજબુર કર્યાની આઇપીસીની કલમ 306 નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકી વાસમાં રહેતા મનસુખ મોહનભાઈ ગોહેલ(ઉ.વ 60) દ્વારા ગત તા. 31/5 ના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીરૂ કિશોરભાઈ વાઘેલા અને પીન્ટુ ગોરીના નામ આપ્યા હતાં.તેનો પુત્ર શૈલેષ મોહનભાઈ ગોહેલ(ઉ.વ 40) પણ સફાઈકામદાર છે. શૈલેષ જે વિસ્તારમાં સફાઈ કામ કરતો હોય ત્યાં જ આરોપી વીરૂ વાઘેલા અને તેની પત્ની પણ સફાઈ કામદાર હોય બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની તેના પતિ વીરૂને શંકા હોય આ બાબતે અગાઉ ઝઘડો કર્યો હતો. જેથી શૈલેષ વીરૂની પત્ની પાસે રાખડી પણ બંધાવી લીધી હતી.
તેમ છતાં સંબંધ હોવાની શંકા રાખી તા. 30 ગરુડની ગરબી ચોક પાસે વાતચીત કરવાના બહાને બોલાવી વીરુ અને તેના બનેવી પિન્ટુ ગોરીએ મળી શૈલેષને મારમાર્યો હતો જે બાબતનું લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
સારવાર દરમિયાન યુવાન શૈલેષ ગોહેલે દમ તોડી દીધો હતો જેની જાણ થતા ગઈકાલે હોસ્પિટલ યુવાનના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ એક તબક્કે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેતા રાત્રિના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. ત્યારબાદ યોગ્ય તપાસની ખાતરી મળતા પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકારી લીધો હતો. આપઘાત કરી લેનાર યુવાન બે ભાઈ એક બહેનમાં વચેટ હતો તેને સંતાનમાં 10 અને 6 વર્ષના બે પુત્ર છે. એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ બંને આરોપીઓ સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેની આઇપીસીની કલમ 306 ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.
પિતાના વિયોગમાં પુત્રે વિષપાન કરી જીવતર ટૂંકાવ્યું
શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગર 8 માં રહેતા યુવાને 22 દિવસ પૂર્વે અવસાન પામેલા પિતાના વિરહમાં ઝેર પી જીવન ટૂંકાવી લેતા આહીર પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.શહેરના સંત કબીર રોડ પર ગોકુલનગર-8માં રહેતા રાહુલ રાયધનભાઈ હુંબલ નામના 25 વર્ષીય યુવકે ગત તા.28ના ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરણિત હતો. પોતે ડ્રાઇવિંગ કામ કરતો હતો. યુવકના પિતાનું 14મીએ અવસાન થતા પોતાને ગમતું ન હોઈ અને ગુમસુમ રહેતો હોઈ આથી તેના પિતાના વિયોગમાં પગલું ભર્યું હોવાનું લાગી રહયું છે. વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે.