મોરબીના જોન્સનગર વિસ્તારમાં સબીલ પાસે ટ્રાફીક કિલયર કરાવતા યુવાનને કાલિકા પ્લોટના બે અજાણ્યા શખ્સોએ ધોકો મારશે તેવા ડરના કારણે છરીના ઘા ઝીંકી હત્યા કરી બાઇક રેઢુ મુકી નાશી છુટયા હતા. મોરબી સીટી પોલીસે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહીતી મુજબ મોરબીમાં અરૂણા મીલ વેજીટેબલ રોડ વિસ્તારમાં રહેતો ઇરાનભાઇ આજીભાઇ ખોડ (ઉ.વ.25) નામના યુવાન ગતકાલે સાંજના સમયે જોન્સનગરમાં સબીલે હતો તે વેળાએ રોડ પર ટ્રાફીક જામ થતાં તે તેના ભાઇ સાથે ધોકો લઇ અને ટ્રાફીક કિલયર કરાવા માટે ગયો હતો તે સમયે ટ્રાફીકમાં રહેલા બે શખ્સોને લાગ્યું કે ઇરાન તેમને ધોકાથી માર મારવા માટે આવી રહ્યો છે.
તે ડરથી બન્નેને શખ્સોએ નેફામાં રહેલ છરી કાઢી અને ઇરાન પર તુટી પડયા હતા અને ઇરાન ગંભીર રીતે ઘવાયાં અને લોકો એકઠા થતાં બન્ને શખ્સે બાઇક મુકી નાશી ગયા હતા. ઇરાનને ગંભીર ઇજા થવાથી તેને પ્રથમ મોરબી બાદ અત્રેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ છે.
બનાવની જાણ મોરબી સીટી પોલીસમાં થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે ઇરાન મચછીનો ધંધો કરતો હતો અને તે છ ભાઇમાં મોટો હતો કાલે તાજીયા હોવાથી તે જોન્સનગર વિસ્તારમાં સબીલે હતો. તે વેળાએ ટ્રાફીક જામ થતાં તે ધોકો લઇને કિલયર કરાવવા માટે ગયો હતો.
ત્યારે કાલિકા પ્લોટનાં બે શખ્સોને લાગ્યું હતુ કે ઇરાન તેની સાથે ઝઘડો કરવા માટે આવે છે તે ડરથી તેને છરીના ઘા ઝીંકી ઇરાનની હત્યા નીપજાવી ત્યાંથી નાશી છુટયા હતા. મોરબી પોલીસે બન્નેને શખ્સોની ઓળખ કરવા માટે અને તેની ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.