સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકતા સુરેન્દ્રનગરની પરિણીતા અને ચોટીલાના યુવાન વચ્ચેના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યો: પરિણીતાના પતિ સહિત બેની ધરપકડ

એક સપ્તાહ બાદ જેના લગ્નના ગીત ગાવામાં આવે તે પહેલાં મરસિયા ગવાતા પરિવારમાં શોક સાથે અરેરાટી

ચોટીલામાં સુરેન્દ્રનગરની પરિણીતા સાથેના અગાઉ પ્રેમ સબંધના કારણે બે શખ્સોએ યુવાનનું ઢીમઢાળી દીધું હતું. અગાઉ સુરેન્દ્રનગરની પરિણીતાને ટેગ કરી સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકતા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે પરિણીતાના પતિ સહિત બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી બંને આરોપીને દબોચી લીધા હતા. મૃતકના ગઇ કાલે હજુ લગ્ન આવ્યા હતા અને એક સપ્તાહ બાદ તેના લગ્નના ગીત ગવાય તે પહેલા મરસિયા ગવાતા પરિવારમાં શોક સાથે અરેરાટી મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને ફૂલહાર વેચી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ મનસુખભાઈ જાદવ નામના ૨૧ વર્ષીય યુવાનને સુરેન્દ્રનગરના દર્શન મનોજ બા અને નવાબ ફિરોઝ મકવાણા નામના શખ્સોએ જાહેરમાં રહેસી નાખતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવાન રાહુલ જાદવને પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ચોટીલા પોલીસને ઘટનાની જાણ થતાં પીઆઈ જે.જે.જાડેજા સહિતના સ્ટાફે તુરંત કાર્યવાહી કરી બંને હત્યારાઓની ધરપકડ કરી હતી.

આ અંગે મૃતક રાહુલ જાદવના કાકા રાજુભાઈ ધીરુભાઈ જાદવે ચોટીલા પોલીસ મથકમાં દર્શન બાજીપરા અને નવાઝ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે જ મૃતક રાહુલ જાદવના લગ્ન આવ્યા હતા અને એક સપ્તાહ બાદ તેની જાન થાન ખાતે જવાની હતી. પરંતુ ગઈકાલે સાંજના સમયે દર્શન અને નવાઝ બંને સુરેન્દ્રનગરથી આવ્યા હતા અને રાહુલ સાથે બોલાચાલી કરતા હતા. તે દરમિયાન નવાઝે રાહુલને પકડી રાખતા દર્શને તેને છાતીના ભાગમાં છરીનો ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે રાજુભાઇએ રાહુલને પૂછતા તેને જણાવ્યું હતું કે અગાઉ દર્શનની પત્ની પાયલ સાથે પ્રેમ સબંધ હતા. જેના કારણે રાહુલે ઈન્સ્ટાગ્રામમાં પાયલને ટેગ કરી પોસ્ટ કરી હતી. જેનો ખાર રાખી દર્શને સુરેન્દ્રનગરની આવી નવાઝ સાથે મળીને રાહુલને રહેસી નાખ્યો હતો. રાહુલના લગ્નના ગીત ગવાય તે પહેલા જ મરસિયા ગવાતા પરિવારમાં શોક સાથે અરેરાટી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.